ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓના જુનિયર ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા આજે યોજાઈ ગઈ છે. ત્યારે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ફાળવેલા લિટલ બર્ડ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ભારે હોબાળો થયો હતો. ઉમેદવારોએ પેપર લીક થયાનો અને પરીક્ષાના નિયમોનો ભંગ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ઉમેદવારોએ પેપર લીકના આક્ષેપ કર્યા
પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે, પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં મોડી OMR શીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ સામે જ સુપરવાઇઝર પ્રશ્નપત્ર લઈને ફરતા હોવાનો દાવો કર્યો છે. ઉમેદવારોએ પેપર લીકના આક્ષેપ સાથે નિયમોના ભંગનો પણ આક્ષેપ કર્યો હતો.
મોડી OMR શીટ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો
ઉમેદવારનું કહેવું છે કે, 'અમને OMR શીટ દોઢથી પોણા બે વાગ્યાની વચ્ચે મળી જવી જોઈએ, પરંતુ અમને તે 2:05 મિનિટે આપવામાં આવી હતી'. આ સિવાય પ્રશ્નપત્રો ખુલ્લા લઈને આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ઉમેદવારનું કહેવું છે કે, પેપરનું બંડલ ક્લાસમાં ખોલવાના બદલે સાહેબો ખુલ્લા લઈને ફરી રહ્યા હતા. જ્યારે અમે પેપર માગ્યા, તો અમને કહેવામાં આવ્યું કે પેપર ઓછા છે એટલે નથી આપતા. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે
ઉમેદવારોમાં રોષ
ઘટનાથી રોષે ભરાયેલા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પેપર લીક થઈ ગયું છે તેવી બૂમો પાડી હતી. આ ઘટનાને કારણે પરીક્ષા કેન્દ્ર પર વાતાવરણ તંગ સર્જાયું હતું. ઉમેદવારોની માગ છે કે તાત્કાલિક તપાસ કરી તેમને ન્યાય આપવામાં આવે.