મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ એક સોસાયટીમાંથી એક ચોંકાવનારો અને ચેતવણીરૂપ બનાવ સામે આવ્યો છે. અહીં ભાડાના મકાનમાં રહેતા ત્રણ ભાઈઓમાં ઝપાઝપી થતાં એક ભાઈનું મૃત્યુ થયું છે.
ત્રણ ભાઈ એકલાં રહેતા હતા
પ્રાથમિક માહિતી મુજબ, ત્રણ ભાઈઓ લુણાવાડાની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા અને તેમના માતા-પિતા ભણવા માટે તેમને એકલાં રહેવા મુકીને ગામે રહેતા હતા. મોટા ભાઈ ધોરણ 11માં ભણતો હતો, જ્યારે અન્ય ભાઈઓ ધોરણ 8 અને ધોરણ 2માં ભણતા હતા.
મોટા ભાઈએ માર્યા નાનાભાઈને ચપ્યું
સવારના સમયે શાળાએ જવાની તૈયારી દરમિયાન પાણીની મોટર ચાલુ કરવા જેવી નાનકડી બાબતે ધોરણ 11માં ભણતા ભાઈ અને ધોરણ 8ના ભાઈ વચ્ચે બોલાચાલી થઈ. આ બોલાચાલી ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. જોતજોતામાં મોટા ભાઈના હાથમાં રહેલો ચપ્પુ નાના ભાઈને મારી દીધો હતો. જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા ભાઈને ડિટેઇન કર્યા
ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કેસની તપાસ શરૂ કરી. સમગ્ર બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલ મોટા ભાઈને પોલીસે ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.