Home Gujarat Baroda Dairy Election 2026 9 Unopposed 4 Seats Voting

બરોડા ડેરીની ચૂંટણીમાં જંગ : 9 બેઠકો બિનહરીફ થયા બાદ 4 બેઠકો પર રસાકસીભર્યું મતદાન

બરોડા ડેરીની ચૂંટણીમાં જંગ
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 07:43 AM IST

સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા ગણાતી બરોડા ડેરીના ડિરેક્ટરોની ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ ભારે ઉત્તેજના અને રસાકસી વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ડેરીના ઈતિહાસમાં પ્રથમવાર 13 માંથી 9 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 4 બેઠકો (પાવી જેતપુર, ડેસર, ડભોઈ અને વડોદરા) માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.

દિનુ મામાનું નિવેદન: "સત્ય પરેશાન થાય પણ પરાજિત નહીં"

વર્તમાન ચેરમેન દિનુ પટેલે મતદાન મથકની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, "બરોડા ડેરીના ઈતિહાસમાં પ્રથમવાર 9 બેઠકો બિનહરીફ થઈ છે તે આનંદની વાત છે. ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ સહકારી રજિસ્ટ્રાર દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેનો અમે કાયદેસર જવાબ આપીશું. મેં હંમેશા દૂધ ઉત્પાદકો અને ડિરેક્ટરોના હિતમાં કામ કર્યું છે. સત્ય થોડો સમય પરેશાન થઈ શકે છે, પણ અંતે વિજય સત્યનો જ થાય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ ચેરમેન પદે હોય કે ન હોય, પશુપાલકોની સેવા ચાલુ રાખશે.

ડેસર બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ

સૌથી વધુ રસાકસી ડેસર ઝોનમાં જોવા મળી રહી છે. અહીં વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીની સામે ભાજપે સૂરપાલસિંહ પરમારને મેન્ડેટ આપતા મામલો ગરમાયો છે. મતદાનના દિવસે ભારે રાજકીય વ્યૂહરચના જોવા મળી હતી. સૂરપાલસિંહના સમર્થનમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના ભાઈ સંદીપ ઈનામદાર મેદાને ઉતર્યા છે. તેઓ લક્ઝરી બસમાં અંદાજે 63 જેટલા મતદારોને લઈને ડેરી પર પહોંચ્યા હતા. સંદીપ ઈનામદારે દાવો કર્યો હતો કે મતદારોમાં ભારે ઉત્સાહ છે અને સૂરપાલસિંહ જંગી બહુમતીથી વિજયી થશે.

ચૂંટણી મેદાનમાં મુખ્ય મુકાબલો

  • પાવી જેતપુર: રણજીતસિંહ રાઠવા વિરુદ્ધ ગેમલભાઈ રાઠવા.

  • ડેસર: સુરપાલસિંહ પરમાર વિરુદ્ધ કુલદીપસિંહ રાઉલજી.

  • ડભોઇ: દક્ષેશ પટેલ વિરુદ્ધ પ્રહલાદ પટેલ.

  • વડોદરા: હિતેશ પટેલ વિરુદ્ધ પાર્થ પટેલ.

સાંજ સુધીમાં આ ચારેય બેઠકોનું પરિણામ જાહેર થવાની શક્યતા છે. તમામ ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે, ત્યારે દૂધ ઉત્પાદકોના હિતમાં કોણ બાજી મારે છે તેના પર સૌની નજર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now