Home Gujarat Rajkot Rajkot Acb Case Pi Chandulal Gosai Sentence

રાજકોટ ACB કેસમાં ચુકાદો : પૂર્વ PI ચંદુલાલ ગોસાઈને 2 વર્ષની કેદ, જાણો સમગ્ર મામલો

રાજકોટ કોર્ટ
Image Credit: https://rajkot.dcourts.g
Published by: Dviti Panchal
Last Updated: May 05, 2026, 07:29 AM IST

રાજકોટમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ના મહત્વપૂર્ણ કેસમાં ખાસ અદાલતે પૂર્વ પોલીસ અધિકારીને દોષિત ઠરાવી સજા સંભળાવી છે. વર્ષ 2010 દરમિયાન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ચંદુલાલ પુજગર ગોસાઈ (ઉંમર 72)ને 2009 ના સરપંચ હત્યા કેસમાં લાંચ લેવાના ગુનામાં દોષિત ઠરાવવામાં આવ્યા છે. ખાસ અદાલતના જજ વી.એ. રાણા દ્વારા તેમને બે વર્ષની સખ્ત કેદ અને રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ કેસનું મૂળ 18 નવેમ્બર 2009ના રોજ મોટા મવા ગામના સરપંચ મયુર તળશીભાઈ શિંગાળાની હત્યા સાથે જોડાયેલું છે. તપાસ દરમિયાન રમેશભાઈ રાણાભાઈ મકવાણાનું નામ સામે આવતાં, તે સમયે પીઆઈ રહેલા ગોસાઈએ તેમનું નામ કેસમાંથી ન ખોલાવવા માટે લાંચની માંગણી કરી હતી, એવી ફરિયાદ કરવામાં આવી હતી.

15 લાખની માંગણી, 3.50 લાખમાં ‘સેટલમેન્ટ’

ફરીયાદ મુજબ, પીઆઈ ગોસાઈએ શરૂઆતમાં રૂ.15 લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં વાતચીત દરમિયાન આ રકમ રૂ.3.50 લાખમાં નક્કી કરવામાં આવી હતી. આમાં પ્રથમ હપ્તા તરીકે રૂ.2 લાખ ફરીયાદીએ આપ્યા હતા, જ્યારે બાકી રહેલા રૂ.1.50 લાખ રાત્રી દરમિયાન પોલીસ સ્ટેશનમાં આપવા સૂચના આપવામાં આવી હતી.

ફરીયાદીએ આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપના દિવસે ફરીયાદીએ બાકી રહેલી રકમ પીઆઈ ગોસાઈને તેમના ચેમ્બરમાં આપી હતી. આરોપીએ આ રકમ પોતાના હાથે સ્વીકારીને ટેબલ પર રાખી દીધી હતી, જે બાદ ટ્રેપિંગ ટીમે દરોડો પાડી રૂપિયા કબ્જે કર્યા હતા.

ફીનોપથેલીન ટેસ્ટમાં પુરાવા મજબૂત

ટ્રેપ દરમિયાન એસીબીની ટીમે ફીનોપથેલીન પાવડરનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. તપાસમાં આરોપીના હાથ પર આ પાવડરની હાજરી મળી આવી હતી, જે લાંચ સ્વીકારવાના પુરાવા તરીકે મહત્વપૂર્ણ ગણાય છે. આ ઉપરાંત, ટ્રેપના દિવસે આરોપીના નિવાસસ્થાને તપાસ કરતાં રૂ.3.31 લાખ રોકડ પણ મળી આવ્યા હતા.

આ તમામ પુરાવાઓના આધારે એસીબીએ ચાર્જશીટ દાખલ કરી હતી અને કેસ અદાલતમાં ચાલી રહ્યો હતો. કેસ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે ફરીયાદીએ આરોપીને ફસાવવા માટે ટેબલ પર નોટો મૂકી દીધા હતા અને આરોપી તે પરત આપવા પાછળ ગયા હતા. જોકે અદાલતે આ દલીલ સ્વીકારી નહોતી.


રાજકોટમાં 10 વર્ષની બાળકી સાથે 60 વર્ષીય વૃદ્ધની અશ્લીલ હરકતો!: રૂ.10ની લાલચ આપી વાડામાં લઈ ગયો વૃદ્ધ

અદાલતમાં સરકાર પક્ષની દલીલ

સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ દલીલ કરી હતી કે કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને પીઆઈને ખોટા લાંચ કેસમાં ફસાવે તે વ્યવહારિક રીતે શક્ય નથી. ટ્રેપની સમગ્ર પ્રક્રિયા પંચોની હાજરીમાં કરવામાં આવી હતી અને તેમાં આરોપીએ સ્વયં લાંચની રકમ સ્વીકારી હોવાનું સ્પષ્ટ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો આરોપી નિર્દોષ હોય તો તેણે પોતાના ઉપરના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવી જોઈએ હતી, જે આ કેસમાં કરવામાં આવી નથી. આ ઉપરાંત, વૈજ્ઞાનિક પુરાવાઓ પણ આરોપી વિરુદ્ધ મજબૂત રીતે ઉભા રહે છે.

રાજકોટમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો ઉત્સાહ છલકાયો: સાયન્સમાં 93.36% અને સામાન્ય પ્રવાહમાં 93.69% પરિણામ; સ્કૂલોમાં ગરબા સાથે ઉજવણી

ચુકાદો અને તેની અસર

આ તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને ખાસ અદાલતે ચંદુલાલ ગોસાઈને દોષિત ઠરાવ્યા હતા. તેમની ઉંમર 72 વર્ષ હોવાને કારણે અદાલતે સજામાં સંયમ દાખવી બે વર્ષની સખ્ત કેદ અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.

આ ચુકાદો ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી માટે મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે કાયદા અમલ કરનાર અધિકારીઓ પણ જો ગેરરીતિમાં સંડોવાયેલા હોય તો કાયદાની પકડથી બચી શકતા નથી. રાજ્યમાં ACB દ્વારા ચાલતા અભિયાન માટે આ કેસ એક નમૂનાત્મક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now