Home Gujarat Rajkot Rajkot Saradhar Minor Girl Molestation Attempt Case

રાજકોટમાં 10 વર્ષની બાળકી સાથે 60 વર્ષીય વૃદ્ધની અશ્લીલ હરકતો! : રૂ.10ની લાલચ આપી વાડામાં લઈ ગયો વૃદ્ધ

રાજકોટ પોલીસે પકડેલા આરોપી દેવભાઈ
Published by: Chintan Chavda
Last Updated: May 03, 2026, 11:25 AM IST

રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા સરધાર ગામ નજીક 10 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ અને અશ્લીલ હરકતોનો ગંભીર બનાવ સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ મુજબ, પડોશમાં રહેતા આશરે 60 વર્ષીય વ્યક્તિએ બાળકીને રૂ.10 ની નોટની લાલચ આપી વાડામાં બોલાવી હતી અને ત્યારબાદ તેની સાથે અયોગ્ય હરકતો કરી હતી. સમગ્ર ઘટનાની જાણ બાળકીએ માતાને કરતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના બાદ વિસ્તારમાં રોષ અને ચિંતા બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે.

રૂ.10ની લાલચ આપી બાળકીને વાડામાં લઈ ગયો

રાજકોટ ACP ભાવેશ જાધવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના 1 મેના રોજ સરધાર ગામ વિસ્તારમાં બની હતી. આરોપી દેવાભાઈ મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ અનુસાર, આરોપીએ ગરીબ પરિવારમાંથી આવતી 10 વર્ષની બાળકી પાસે જઈ તેને રૂ.10 આપવાની લાલચ આપી હતી.

ત્યારબાદ તે બાળકીને એકાંત સ્થળે આવેલા વાડામાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને છાતીના ભાગે હાથ ફેરવ્યો હતો. પોલીસ મુજબ, આ સમગ્ર કૃત્ય દરમિયાન બાળકી ડરી ગઈ હતી.

બાળકી દ્વારા માતાને થઈ જાણ

ઘટના બાદ બાળકી ઘરે પહોંચી હતી અને સમગ્ર વાત માતાને જણાવી હતી. ACP ભાવેશ જાધવે જણાવ્યું કે બાળકી દ્વારા માતાને અને પરિવારને ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ આજીડેમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

પોલીસે તરત જ ફરિયાદ નોંધી આરોપી સામે BNSની કલમ 75, 276 તેમજ POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. હાલ PSI સ્તરે સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આરોપી દેવાભાઈની ધરપકડ

પોલીસે આરોપી દેવાભાઈની ઝડપી કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.

ACP ભાવેશ જાધવે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી. જોકે, પોલીસ અન્ય કોઈ સમાન ફરિયાદ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: રાજકોટનાં આજીડેમમાં એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત : પરિવારના સભ્યો રિક્ષા લઈને ડેમમાં આવ્યા હતા નાહવા

POCSO કાયદા હેઠળ કડક કાર્યવાહી

POCSO (Protection of Children from Sexual Offences) કાયદો સગીર બાળકો સામેના યૌન ગુનાઓ માટે ખાસ બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ બાળકી સાથે અશ્લીલ હરકતો, લાલચ આપી એકાંતમાં લઈ જવું અથવા યૌન શોષણ કરવાનો પ્રયાસ કરવો ગંભીર ગુનો ગણાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now