Home Gujarat Dhrangadhra Usury Case 10 Accused Arrested Surendranagar

ધ્રાંગધ્રામાં વ્યાજખોરી વિરુદ્ધ તંત્રની લાલ આંખ : 10 આરોપીઓ ઝડપાયા, પઠાણી ઉઘરાણીનો ભંડાફોડ

ધાંગધ્રામાંથી પકડાયેલા વ્યાજખોરો
Published by: Chintan Chavda
Last Updated: May 05, 2026, 08:44 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વ્યાજખોરીના વધતા કિસ્સાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે. ભૂંગળા બટેકાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક સામાન્ય નાગરિક ઈકબાલભાઈ ગરાણાની રજૂઆત બાદ પોલીસે દશ વ્યાજખોરોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ સમગ્ર મામલામાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સીધા હસ્તક્ષેપ બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે, જેને કારણે જિલ્લામાં વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, ઈકબાલભાઈ ગરાણા છેલ્લા ઘણા વર્ષોથી ધ્રાંગધ્રા શહેરમાં ભૂંગળા બટાકા ની લારી ચલાવી જીવન નિર્વાહ કરતા હતા. થોડા સમય પહેલા આર્થિક સંકટમાં તેમને ઊંચા વ્યાજે રૂપિયા લેવા પડ્યા હતા. શરૂઆતમાં નાની રકમથી શરૂ થયેલું આ કર્જ ધીમે ધીમે વધતું ગયું અને તેઓ વ્યાજના ચક્કરમાં ફસાતા ગયા. આરોપ છે કે શહેરના અલગ-અલગ દશ વ્યાજખોરો પાસેથી લીધેલા રૂપિયા માટે તેઓએ 10 થી 15 વર્ષ સુધી સતત ચૂકવણી કરી હોવા છતાં તેમને મુક્તિ મળી નહોતી.

ધમકીઓ અને પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત પીડિત

ફરીયાદ મુજબ, વ્યાજખોરો દ્વારા માત્ર વ્યાજ જ નહીં પરંતુ ધાક-ધમકીઓ અને પઠાણી ઉઘરાણી દ્વારા વધુ રૂપિયા વસૂલવાની કોશિશ કરવામાં આવતી હતી. ઈકબાલભાઈએ આ અંગે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી યોગ્ય પ્રતિસાદ ન મળતાં તેઓ સીધા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પાસે પહોંચ્યા હતા.

અરજદાર દ્વારા પોતાની આપવીતી રજૂ કરતાં તેઓ ભાવુક બની ગયા હતા. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈ એસપી દ્વારા તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપવામાં આવી, જેના પગલે ધ્રાંગધ્રા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. થોડા જ સમયમાં સમગ્ર નેટવર્ક સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.


વડોદરામાં સર્જાઈ મોટી હોનારત: બીચ પર ન્હાવા પડેલા 9 લોકો ડૂબ્યા, સ્વજનો ઘટનાસ્થળે પહોંચતા કરૂણ દ્રશ્યો સર્જાયા

10 આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી

એસપીના આદેશ બાદ પોલીસે લાયસન્સ વિના ઊંચા વ્યાજે રૂપિયા આપતા અને લોકોને પરેશાન કરતા કુલ 10 આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં જેહલબેન મેવાડા, દશરથભાઈ મેવાડા, પરેશભાઈ પ્રજાપતિ, રામસિંગભાઈ રબારી, અંકિતભાઈ મેવાડા, મેહુલભાઈ રાતડિયા, ગોપાલભાઈ ભરવાડ, ભુપેન્દ્રભાઈ કોટક, માહુલભાઈ દલવાડી અને મેહુલભાઈ લાકડીયા ભરવાડનો સમાવેશ થાય છે.

આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો ચલાવવાનો અને પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે કે આ નેટવર્કમાં અન્ય કેટલાં લોકો સંકળાયેલા છે.

જિલ્લામાં વ્યાજખોરીના વધતા કેસો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાજખોરીના કેસોમાં વધારો નોંધાયો છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો તાત્કાલિક જરૂરિયાતને કારણે ઊંચા વ્યાજે રૂપિયા લે છે અને બાદમાં વર્ષો સુધી આ ચક્રમાંથી બહાર આવી શકતા નથી. ઘણી વખત તેઓ મૂળ રકમ કરતાં અનેક ગણો વધુ વ્યાજ ચૂકવતા હોવા છતાં કર્જમાંથી મુક્તિ મેળવી શકતા નથી.

આ કેસમાં પણ એવું જ જોવા મળ્યું કે પીડિતે વર્ષો સુધી ચૂકવણી કર્યા બાદ પણ વ્યાજખોરો દ્વારા સતત દબાણ કરવામાં આવતું હતું. આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવી પોલીસ માટે મોટો પડકાર બની રહ્યો છે.


રાજકોટ ACB કેસમાં ચુકાદો: પૂર્વ PI ચંદુલાલ ગોસાઈને 2 વર્ષની કેદ, જાણો સમગ્ર મામલો

પોલીસની કાર્યવાહીથી વ્યાજખોરોમાં ભય

એસપી પ્રેમસુખ ડેલુના સીધા હસ્તક્ષેપ બાદ માત્ર એક જ દિવસમાં કાર્યવાહી થતાં સમગ્ર જિલ્લામાં વ્યાજખોરોમાં ભયનો માહોલ સર્જાયો છે. પીડિત ઈકબાલભાઈએ પોલીસની આ ઝડપી કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આવનારા સમયમાં પણ આવા ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેઓ કોઈપણ પ્રકારની વ્યાજખોરી કે ધમકીનો સામનો કરતા હોય, તો તરત જ પોલીસને જાણ કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now