Home Gujarat Girnar Ambaji Temple Scandal Liquor Party And Donation Fraud Exposed In Probe

ગિરનાર અંબાજી મંદિર દારૂ-નોનવેજ મામલો : દારૂ-નોનવેજ પાર્ટી અને દાનની ચોરી મામલે રિપોર્ટ જાહેર, 12 કર્મચારીઓ બરતરફ

ગિરનાર અંબાજી મંદિર દારૂ-નોનવેજ મામલો
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 07:16 AM IST

ગિરનાર પર્વત પર સ્થિત સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં બનેલી કલંકિત ઘટનાનો તપાસ રિપોર્ટ આખરે જાહેર કરવામાં આવ્યો છે. ઓક્ટોબર 2025 માં બનેલી આ ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટર અનિલ રાણાવાસીયાએ પ્રાંત અધિકારીનો રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું કે, મંદિરમાં દારૂ-નોનવેજની પાર્ટી અને દાનની રકમની ઉચાપત એમ બે સ્તરે ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે.

પૂજારીના પુત્ર અને મિત્રોએ પવિત્રતા દુભાવી

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, ગત તા. 22-10-2025 ના રોજ મુખ્ય પૂજારી કિશોર ચૌહાણની ગેરહાજરીમાં તેમનો પુત્ર અભિષેક પૂજા માટે રોકાયો હતો. આ સમયગાળા દરમિયાન તેણે પોતાના પાંચ મિત્રોને બોલાવી મંદિરના ગોખમાં દારૂની મહેફિલ માણી હતી અને ભંડારામાં નોનવેજ ખાઈને મંદિરની પવિત્રતા ખંડિત કરી હતી. આ પાર્ટી માટે દારૂ અને નોનવેજ છગન ડાભી નામનો શખ્સ સીડી કે રોપ-વે મારફતે ઉપર લઈ ગયો હતો.

દાનની રકમમાં મોટો ગફલો: શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી

દારૂની પાર્ટી ઉપરાંત, મંદિરમાં આવતા દાનમાં પણ મોટી ગેરરીતિ સામે આવી છે. રિપોર્ટ મુજબ, કેટલાક બિનઅધિકૃત શખ્સો (યોગેશગીરી, દુષ્યંતગીરી સહિત 5 લોકો) મંદિરમાં સેવા-પૂજાના બહાને દાનપેટી પર કપડું કે વાસણ રાખી દેતા હતા. શ્રદ્ધાળુઓ જે દાન આપતા તે રકમ આ શખ્સો બારોબાર ખિસ્સામાં સેરવી લેતા હતા. આ રકમ મંદિર ટ્રસ્ટમાં જમા કરાવી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

કુલ 3 ફરિયાદો અને 12 કર્મચારીઓ બરતરફ

આ સમગ્ર મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે:

  • ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો.

  • પ્રતિબંધિત વસ્તુઓ (દારૂ-નોનવેજ) ની પાર્ટી કરવાનો ગુનો.

  • દાનની રકમમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો.

તંત્રએ આ બાબતે કડક વલણ અપનાવતા મંદિરના 9 પૂજારી, PRO, રસોયો અને સફાઈ કામદાર મળી કુલ 12 કર્મચારીઓને ફરજમુક્ત કરી દીધા છે. આ કર્મચારીઓ ઘટનાથી વાકેફ હોવા છતાં મૌન રહ્યા હોવાથી તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાયા છે.

સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ

મંદિર સુધી પ્રતિબંધિત વસ્તુઓ પહોંચી કેવી રીતે? તે અંગે પણ તપાસના આદેશ અપાયા છે. જે સમયે આ વસ્તુઓ સીડી માર્ગે ઉપર લઈ જવામાં આવી, તે સમયે ફરજ પર હાજર સુરક્ષાકર્મીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે. આ ઘટનાને પગલે સમગ્ર જૂનાગઢ અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now