અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સતત પેટ્રોલિંગ અને ઈન્ટેલિજન્સ આધારીત ઓપરેશન્સ ચલાવવામાં આવી રહ્યા છે.
આ કામગીરી અંતર્ગત LCB પોલીસ ઈન્સ્પેક્ટર આર.એન. કરમટિયાના માર્ગદર્શન હેઠળની ટીમે સાણંદ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસને મળેલી વિશ્વસનીય માહિતી અનુસાર સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નિધરાડ રેલવે ક્રોસિંગ બ્રિજ નજીક દારૂની હેરાફેરી થવાની હતી.
બાતમીના આધારે રેડ
પોલીસ હેડ કોન્સ્ટેબલ અનુપસિંહ સોલંકી અને દિલાવરસિંહ વાઘેલાને મળેલી બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને વૉચ ગોઠવી હતી. થોળ ગામથી સાણંદ તરફ આવતા માર્ગ પર શંકાસ્પદ રીતે પસાર થતી 2 કારને રોકી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન એક ટોયોટા ઈનોવા અને એક હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરનાં ટીન મળી આવ્યા હતા. કુલ મળીને 5,447 નંગ દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 5,73,464 ગણાવવામાં આવી છે. બંને કારની કિંમત સાથે મળીને કુલ મુદ્દામાલ રૂ. 19,73,464 જેટલો થાય છે.
આરોપીની ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે 22 વર્ષનાં એક આરોપી શ્રીરામ ઘેવરચંદ પાલડિયાની ધરપકડ કરી છે. આ આરોપી રાજસ્થાનનાં જાલોર જિલ્લામાં આવેલા ભીનમાલ તાલુકાના થોબાઉનો રહેવાસી છે. આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો હતો. હાલ પોલીસ અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળમાં લાગી છે અને આ રેકેટના નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દારૂબંધી કાયદાની કડક અમલવારી
ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદો લાગુ હોવા છતાં સમયાંતરે દારૂની હેરાફેરીના બનાવો સામે આવે છે. આવા બનાવોને રોકવા માટે પોલીસે સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને ગુપ્તચર બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. આ ઘટના એ દર્શાવે છે કે પોલીસ તંત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતર્ક છે અને આવા તત્વોને કોઈ પણ રીતે પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. અધિકારીઓએ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવશે.





