સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના કથિત રેકેટનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. જિલ્લા આરોગ્ય વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે વરાછા પોલીસ સાથે મળીને લાભેશ્વર ચાર રસ્તા નજીક આવેલી ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’ પર દરોડો પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હોસ્પિટલમાંથી ગર્ભપાત કરાવવા આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવતા આરોગ્ય તંત્ર અને પોલીસ બંને સતર્ક બન્યા છે.
આરોગ્ય વિભાગની ફરિયાદ મુજબ, આ હોસ્પિટલનું સંચાલન રામગોપાલ કિશન ખંડેલવાલ કરતો હોવાનો આરોપ છે. ગંભીર બાબત એ છે કે રામગોપાલ ક્વોલિફાઇડ ડોક્ટર નહીં, પરંતુ ફાર્માસિસ્ટ હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં તે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર ગર્ભપાત સંબંધિત પ્રક્રિયાઓ કરતો હોવાની માહિતી આરોગ્ય વિભાગને મળી હતી. હાલ વરાછા પોલીસે રામગોપાલ ખંડેલવાલ સામે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કાયદાનો મુખ્ય હેતુ ગર્ભમાં બાળકનું લિંગ જાણવા માટે થતી ગેરકાયદે તપાસ અને તેના આધારે થતી ભ્રૂણહત્યા અટકાવવાનો છે.
રેડ દરમિયાન ત્રણ સગર્ભા મહિલાઓ મળી
આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલના પહેલા અને બીજા માળે પહોંચી ત્યારે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તપાસ દરમિયાન બે મહિલા કર્મચારીઓ અને ત્રણ સગર્ભા મહિલા દર્દીઓ મળી આવી હતી. પૂછપરછમાં કચરા-પોતું કરતી મહિલા કર્મચારી દ્વારા રામગોપાલ ખંડેલવાલ જ મહિલાઓના ઓપરેશનો કરતો હોવાની માહિતી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મળી આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ પૈકી એક વ્યારાની અને બીજી શિરપુરની હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય અધિકારીઓ સમક્ષ તેમણે ગર્ભપાત માટે આવી હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ તબીબી તપાસ માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે, હોબાળાનો લાભ લઈ વ્યારાની 24 વર્ષીય સગર્ભા મહિલા સ્થળ પરથી ભાગી છૂટી હતી. બાકીની બે મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મોલમાં કપડાં ચેન્જ કરવા ચેજિંગ રૂમમાં ગઈ મહિલા: પછી મહિલા સાથે જે થયું એ તેણે ક્યારેય નહીં વિચાર્યું હોય
અગાઉના કેસ બાદ ફરી એ જ વિસ્તારમાં સક્રિય થયાનો આરોપ
રામગોપાલ ખંડેલવાલ સામે આ પહેલો આરોપ નથી. વર્ષ 2025માં વરાછા વિસ્તારમાં જ ‘શિવાય હોસ્પિટલ’ના નામે ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ ચલાવવાના આરોપમાં જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. તે સમયે રામગોપાલ ઉપરાંત ડો. મિતેશ કાંતિ ધોરાજીયા, આર.એમ.ઓ. મિલન સોડાગર અને નર્સ કલ્પનાબેન પવાર વિરુદ્ધ ગુનો નોંધાઈ ધરપકડ થઈ હતી, એવી માહિતી ફરિયાદમાં દર્શાવાઈ છે.
જામીન પર છૂટ્યા બાદ રામગોપાલે સુધરવાના બદલે ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’ના નામે ફરીથી એ જ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી હોવાનો આરોગ્ય વિભાગનો આરોપ છે. આથી પોલીસ હવે માત્ર એક હોસ્પિટલ કે એક વ્યક્તિ સુધી મર્યાદિત તપાસ નહીં રાખે, પરંતુ આ નેટવર્કમાં અન્ય મેડિકલ સ્ટાફ, ડોક્ટરો, દલાલો અથવા હોસ્પિટલ સંચાલકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરશે.
સુરતમાં કરુણ ઘટના!: લિંબાયતમાં ઝાડા-ઉલટીએ માસૂમનો ભોગ લીધો, 6 વર્ષીય બાળકનું મોત
કાયદાકીય રીતે મામલો અત્યંત ગંભીર
ભારતમાં ગર્ભપાત કાયદેસર રીતે માત્ર માન્ય પરિસ્થિતિઓમાં અને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા જ થઈ શકે છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી સુધારા કાયદા મુજબ ચોક્કસ શરતો હેઠળ 20 અઠવાડિયા સુધી એક નિષ્ણાત ડોક્ટરની સલાહ અને 20થી 24 અઠવાડિયા સુધી ખાસ કેટેગરીની મહિલાઓ માટે બે નિષ્ણાતોની સલાહ જરૂરી બને છે.
બીજી તરફ, ગર્ભમાં બાળકનું લિંગ જાણવા કે જણાવવું કાયદેસર ગુનો છે. આવી તપાસથી સ્ત્રી ભ્રૂણહત્યા જેવી સામાજિક અને માનવીય રીતે ગંભીર સમસ્યા વધે છે. ગુજરાત સરકારના ‘બેટી વધાવો’ પોર્ટલ મુજબ પી.સી.-પી.એન.ડી.ટી. એક્ટ 1994માં ખાસ કરીને ગર્ભલિંગ નિર્ધારણ રોકવા અને સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો.
હાલ આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી છે. પોલીસ રામગોપાલ ખંડેલવાલને પકડવા માટે ટીમો બનાવી તપાસ આગળ ધપાવી રહી છે. સ્થળ પરથી મળેલા દસ્તાવેજો, દર્દીઓના રેકોર્ડ, દવાઓ, સાધનો અને સ્ટાફના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે. જો ગેરકાયદે ગર્ભપાત, ગર્ભલિંગ તપાસ અથવા બિનલાયસન્સ તબીબી પ્રક્રિયાઓના પુરાવા મજબૂત મળે, તો આરોપીઓ સામે વધુ કડક કલમો ઉમેરાઈ શકે છે.





