સુરતના વરાછા વિસ્તારમાંથી એક અનોખો અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં દરિયામાં મળતી અત્યંત કિંમતી અને દુર્લભ ગણાતી વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે SOG (Special Operations Group) દ્વારા એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આ ઉલટી ‘દરિયાનું તરતું સોનું’ તરીકે પણ ઓળખાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ રહે છે.
5 કરોડ 72 લાખ રૂપિયાની એમ્બરગ્રીસ ઝડપાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર ધરપકડ કરાયેલ ઈસમ ભાવનગરના વિપુલ બાંભણિયા છે, જે મૂળભૂત રીતે ખેડૂત છે અને એન્ટિક વસ્તુઓનો પણ જાણકાર માનવામાં આવે છે. તેને SOG ની ટીમે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ પાસેથી પકડી પાડ્યો હતો. તેની પાસેથી પ્લાસ્ટિક બેગમાં ભરી રાખેલી કુલ 5.720 કિલોગ્રામ વ્હેલ માછલીની ઉલટી જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે 5 કરોડ 72 લાખ રૂપિયા થાય છે.
SOGની ટીમે બાતમીના આધારે આરોપીને દબોચ્યો હતો
વિપુલે પોલીસને જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા ભાવનગરના દરિયા કિનારે તેને આ ઉલટી મળી હતી. ત્યારબાદ તે ભિન્ન-ભિન્ન સ્થળોએ વેચાણ માટે ફેરતો હતો. જ્યારે તે સુરતના વરાછા વિસ્તારમાં ડીલ માટે આવ્યો ત્યારે SOGની ટીમે બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો.
દવાઓ અને પર્ફ્યુમમાં ઉપયોગ થાય
દુનિયાભરમાં વ્હેલ માછલીની ઉલટીનો ઉપયોગ ખાસ કરીને દવાઓ અને પર્ફ્યુમના ઉત્પાદનમાં થાય છે, જેના કારણે તેની ઊંચી માંગ છે. જોકે, ઘણીવાર લોકો આ દુર્લભ વસ્તુ મેળવવા વ્હેલ માછલીઓનો શિકાર કરતાં હોય છે, જેના પરિણામે તેમની સંખ્યા ઘટી રહી છે. આ કારણે વ્હેલ માછલી અને તેના અંગોને ભારત સહિત અનેક દેશોમાં પ્રતિબંધિત અને સુરક્ષિત જાતિ જાહેર કરવામાં આવી છે.