મુંબઈમાં રત્નનો વેપાર કરતા વેપારીને અમદાવાદના ચાર પોલીસકર્મચારીએ લૂંટી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેપારી તેમના ભાઈ સાથે રાજસ્થાનથી મુંબઈ પરત જઈ રહ્યા હતા, ત્યારે ટ્રાફિક અધિકારીઓએ તેમને રોક્યા હતા. તેમના પર ક્રિકેટસટ્ટાનો કેસ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપીને 20 લાખની માગ કરી હતી. એ બાદ 5.88 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો, જેમાં વેપારીએ એક લાખ રૂપિયા રોકડ આપ્યા હતા, જ્યારે 4.88 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મુંબઈમાં આવેલા મીરા-ભાયંદર રોડ પરના રામદેવ એન્કલેવમાં રહેતા વજેરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાર પોલીસકર્મચારી વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. વજેરામ ગુર્જર મૂળ રાજસ્થાનના વતની છે અને ઘણાં વર્ષોથી પરિવાર સાથે મુંબઈમાં રહે છે. વજેરામનો અંધેરી ખાતે આવેલા સાગર શોપિગ કોમ્પ્લેક્સમાં સી. એમ. જેમ્સ નામનો શોરૂમ છે, જેમાં તેઓ રત્નોનો વેપાર કરે છે. 17 ઓગસ્ટે વજેરામ અને તેનો કૌટુંબિક ભાઈ દિનેશ ગુર્જર કાર લઈને રાજસ્થાનથી પરત મુંબઈ જઈ રહ્યા હતા. દરમિયાન સાંજના ચાર વાગ્યાની આસપાસ કાર એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે પહોંચી હતી. સર્કલ પર ચાર પોલીસકર્મચારીએ ઈશારો કરીને વજેરામની કાર રોકી હતી.બે પોલીસકર્મચારીએ સફેદ કલરનો શર્ટ અને વાદળી કલરનું પેન્ટ પહેર્યું હતું, જ્યારે અન્ય એક પોલીસકર્મચારીએ ખાખી કલરની વર્દી પહેરી હતી, જ્યારે એક પોલીસકર્મચારી સાદાં કપડાંમાં હતો. ચારેય પોલીસકર્મીએ ગાડીનું ચેકિંગ કર્યું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નહોતી. ત્યાર બાદ ચારેય પોલીસકર્મીએ વજેરામ અને દિનેશને કારમાંથી ઉતારીને પોલીસ કેબિનમાં લઈને ગયા હતા, જ્યાં ચારેય વજેરામનો ફોન ચેક કરવા લાગ્યા હતા. પોલીસકર્મચારીએ વજેરામનો મોબાઈલ ચેક કર્યા બાદ તેને કહ્યું હતું કે 'તારા મોબાઈલમાં ક્રિકેટસટ્ટાની આઇડી છે અને તું સટ્ટો રમે છે, તારા પર કેસ કરી તને અમે જેલમાં નાખીશું.' પોલીસકર્મચારીઓની વાત સાંભળીને વજેરામે જવાબ આપ્યો હતો કે હું કોઈ ક્રિકેટસટ્ટો રમતો નથી કે મારી પાસે ક્રિકેટની કોઈ આઇડી નથી. વજેરામની વાત પોલીસકર્મચારી માન્યા નહીં અને ધમકી આપતા રહ્યા હતા કે તારા પર સટ્ટાનો કેસ કરવો પડશે. વજેરામે પોલીસકર્મચારીઓને ઘણી આજીજી કરી, પરંતુ તેઓ માન્યા નહીં અને એક કલાક સુધી બન્ને ભાઈને બેસાડી રાખ્યા હતા. બાદમાં એક પોલીસકર્મચારીએ કહ્યું કે તારે અહીંથી જવું હોય તો 20 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો તારા પર ક્રિકેટસટ્ટાનો કેસ કરીશું, તારે જેલમાં જવું પડશે. પોલીસકર્મચારીની વાત સાંભળીને વજેરામ ડરી ગયા હતા.
વજેરામ વિરુદ્ધ કેસ ન થાય એ માટે તેઓ પોલીસકર્મચારીને રૂપિયા આપવા માટે તૈયાર હતો. વજેરામે એક લાખ રૂપિયા પોલીસકર્મચારીઓને આપ્યા હતા, એમ છતાંય તેની પાસેથી વધુ રૂપિયાની માગ કરી હતી. વજેરામે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતાં પોલીસકર્મચારીએ એક અજાણ્યા શખસનું યુપીઆઈ કોડ મગાવ્યો હતો. કોડ આવી જતાં વજેરામ અને તેના ભાઈએ 4.88 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 5.88 લાખ રૂપિયાનો તોડ થઈ ગયા બાદ પોલીસકર્મચારીઓએ દિનેશ અને વજેરામને જવા દીધા હતા. બન્ને ભાઈઓ મુંબઈ પહોચી ગયા હતા, પરંતુ તેમની સાથે પોલીસે કરેલા દુર્વ્યવ્હારને કારણે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. વજેરામ અને દિનેશે આ મામલે 19 સપ્ટેમ્બરે અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીને મળ્યા હતા અને તેમની સાથે બનેલી તમામ હકીકતો જણાવી હતી. પોલીસ અધિકારીએ વજેરામના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના પુરાવા જોતાં પોલીસકર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપ્યો હતો.
નિકોલ પોલીસે સમગ્ર મામલે ચાર પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.