જામ ખંભાળિયા પંથકના સોનારડી ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની બેદરકારીના કારણે બે ખેડૂતોના કરંટ લાગવાથી મૃત્યુ થયા છે.
ખેડૂત પર વીજ કરંટ પડતા બેના મોત
મળતી માહિતી અનુસાર, સોનારડી ગામના વાડી વિસ્તારમાં બે ખેડૂત રામસંગ જાડેજા અને તખુભા જાડેજા ખેતરમાં રોજની માફક કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જીવતો વીજતાર તૂટી પડી ગયો હતો. તૂટી પડેલો તાર સીધો ખેતરમાં કામ કરતા બંને ખેડૂત પર આવી પડ્યો હતો, જેને કારણે તેઓને સખત વીજ કરંટ લાગ્યો હતો.
ગામમાં માતમનું વાતાવરણ
લોકોએ તરત જ ખેડૂતોને ઉઠાવીને જામ ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તપાસ કર્યા પછી બંનેને મૃત જાહેર કર્યા. આ દુર્ઘટનાથી સમગ્ર સોનારડી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ગામમાં માતમનું વાતાવરણ છે અને સમગ્ર પંથકમાં ભારે રોષ છે.
સ્થાનિક લોકોએ PGVCL પર કર્યા આક્ષેપ
સ્થાનિક લોકોએ આ ઘટનાને PGVCLની ઘોર બેદરકારી ગણાવી છે. ઘણા સમયથી વીજતારો જર્જરિત હાલતમાં છે તેમ છતાં તેમની યોગ્ય રીતે તપાસ કે જાળવણી કરવામાં આવી નથી.