અમદાવાદના જાણીતા કર્ણાવતી ક્લબમાં 10 ડિરેક્ટરના પદ માટેની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જેને લઈને 19 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી, ક્લબના અંદાજિત 15,000 સભ્યો ઓનલાઈન ઈ-વોટિંગ કરશે. આ ચૂંટણીમાં મુખ્યત્વે બે પેનલ, 'મેમ્બર પાવર પેનલ'અને 'ક્લબ કેર ફેમિલી', વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. મતદાન શરૂ થાય તે પહેલાં, 'મેમ્બર પાવર પેનલ' સામે 'ક્લબ કેર ફેમિલી' એ ગંભીર આક્ષેપો કર્યા છે.
ચૂંટણીના સ્કુટિની સભ્યો પર આક્ષેપ
'ક્લબ કેર ફેમિલી'ના ઉમેદવાર ડો. કૃષ્ણ મકવાણાએ જણાવ્યું કે, 'મેમ્બર પાવર પેનલ'ના ટેકેદારોમાં ખુદ ચૂંટણીના સ્ક્રુટિની સભ્યોનો સમાવેશ થાય છે. તેમણે ભાજપના પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ અને આશિષ અમીનનું નામ લઈને આક્ષેપ કર્યો કે, આ બંને સત્તાવાર સ્ક્રુટિની સભ્યો હોવા છતાં એક ચોક્કસ પેનલને સપોર્ટ કરી રહ્યા છે. તેમણે આ બાબતને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે આવી સ્થિતિમાં ચૂંટણીને રદ કરી ફરીથી યોજવી જોઈએ.'ક્લબને એક પેઢી બનાવી દેવામાં આવી છે'
'ક્લબ કેર ફેમિલી'ના અન્ય ઉમેદવાર વિરલ પટેલે દાવો કર્યો છે કે, કર્ણાવતી ક્લબને એક "પેઢી"ની જેમ ચલાવવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે વર્ષોથી ક્લબનું કેટરિંગ અને હોસ્પિટાલિટીનું કામ કોઈ ટેન્ડર પ્રક્રિયા વગર એક જ કંપનીને આપવામાં આવે છે. તેમણે એ પણ જણાવ્યું કે, 2015માં કેટરિંગ કંપની દ્વારા ભરાયેલા એક કરોડ રૂપિયાના સર્વિસ ટેક્સનું રિફંડ હજુ સુધી મળ્યું નથી, જે ક્લબના મેનેજમેન્ટની ગેરવ્યવસ્થા દર્શાવે છે.
ગોલ્ડન ગ્લોરી હોલ વિવાદ: ગેરકાયદેસર બાંધકામ અને કરોડોનો દંડ
ક્લબના સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંના એક, ગોલ્ડન ગ્લોરી હોલના ગેરકાયદેસર બાંધકામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્લબ કેર ફેમિલીએ આક્ષેપ કર્યો છે કે, આ હોલનું બાંધકામ ગેરકાયદેસર છે અને 2008માં અમદાવાદ કલેક્ટરે તેને કાયદેસર કરવા માટે ક્લબને ₹51 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ 2016, 2018 અને તાજેતરમાં આ બાંધકામને તોડી પાડવાની નોટિસ આપી છે. છતાં પણ ક્લબના પૂર્વ મેનેજમેન્ટે આ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી અને માત્ર કાયદાકીય લડાઈમાં મેમ્બરોના પૈસાનો ખોટો ખર્ચ કર્યો છે. આ સમગ્ર ઘટનાને "ખૂબ જ મિસમેનેજમેન્ટ" ગણાવી ક્લબના પૂર્વ ડાયરેક્ટર વિરલ પટેલે જણાવ્યું કે, આવા ખર્ચાઓનો બોજ અંતે મેમ્બરો પર જ આવે છે અને હવે આ ક્લબમાં પરિવર્તન લાવવાની જરૂર છે.
બોક્ષ મેમ્બર પાવર પેનલના ઉમેદવાર
અજય બી ઠક્કર, ભાવેશ વઘાસિયા, હસમુખ જી શાહ, કિન્નર જી શાહ, ચેતન ડી શાહ, હિતેન આર વસંત, ગિરીશભાઈ દાણી, નગીન.જી પટેલ, સતીશ એન શાહ અને પરેશ એન પટેલ.
બોક્ષ ક્લબ કેર ફેમિલીના ઉમેદવાર
વિરલ જી પટેલ, ડો. કૃષ્ણા મકવાણા, કલ્પેશ કે પટેલ અને સૃષ્ટિ યુ પટેલ.