છોટાઉદેપુર જિલ્લાના એસ.એફ. હાઇસ્કૂલમાં વિવાદમાં ઘેરાઈ છે. નવા નિમાયેલાં શિક્ષકઓએ ગંભીર પાલિકાના પદાધિકારીઓ તેમજ આચાર્ય પર ગંભીર આક્ષેપ કર્યો છે. શાળાના આચાર્ય હિતેશ ચૌહાણ તથા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો દ્વારા અંગ્રેજી શાળા શરૂ કરવાની હોઈ જેના ડોનેશન માટે રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
શિક્ષકોએ શું આક્ષેપ કર્યો?
આ શિક્ષકોએ આક્ષેપ કર્યો છે કે, ''જુલાઈ 2025થી કાર્યરત નવ શિક્ષકો પાસેથી શરૂઆતમાં જ આચાર્ય દ્વારા "ફૂલ નહીં તો ફૂલની પાંખડી"ના નામે નાણાંની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ 15 સપ્ટેમ્બર 2025ના રોજ શિક્ષકોને નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં બોલાવી મોબાઇલ કબજે કરીને મિટિંગ યોજી હતી અને કહેવામાં આવ્યું કે, તમારે પૈસા તો આપવા જ પડશે''
''શિક્ષકોને ચીમકી અપાઈ કે...''
મિટિંગ દરમિયાન હાજર રહેલા ઝાકીર આંધી, કિશન કોળી, ઉપપ્રમુખ પ્રવેશ મકરાણી, કોર્પોરેટર કિરમાણી, સૌરભ શાહ સહિતના સભ્યો દ્વારા શિક્ષકોને ચીમકી અપાઈ કે, "તમારી નિમણૂક અમાન્ય છે, પગાર પાછો લઈશું, લાંય આપશો તો રજાઓ-સુવિધા બધું મળશે, નહી આપશો તો ખોટા ગુનામાં ફસાવી સસ્પેન્ડ કરીશું'' વધુમાં કહ્યું કે, ''ડૉ. હાર્દિક ધામેલીયાને તો ખુલ્લેઆમ ધમકાવાયું કે છોકરીઓ દ્વારા એફિડેવિટ કરાવી જેલમાં નાખી દઈશું''
સરકારની ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામી!
શિક્ષકોએ કહ્યું કે, ''અમે બધા TAT-1, TAT-2 પાસ કરીને સરકારની ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા છીએ-અમારી નિમણૂક કાયદેસર છે. લાખો રૂપિયાની માંગણી ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો છે. અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે, છતાં અમારાથી દાન માગવું લૂંટ અને બ્લેકમેલ છે. ભૂતકાળમાં પ્રિન્સિપાલ તથા શિક્ષકો પર હુમલાના બનાવો થયા છે, એટલે આજે પણ અમને વાસ્તવિક જીવન જોખમ છે''.