logo-img
Nmhc Will Fulfill The Prime Ministers Goal Of Virasat Bhi Vikas Bhi

વડાપ્રધાનના વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને NMHC કરશે સાકાર, : ₹4500 કરોડના ખર્ચે પ્રોજેક્ટ થશે તૈયાર, 20 સપ્ટેમ્બરે PM કરશે નિરીક્ષણ

વડાપ્રધાનના વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને NMHC કરશે સાકાર,
Published by: Offbeat Team
| Last Updated: Sep 18, 2025, 10:26 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ સાકાર કરશે, નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ ₹4500 કરોડના ખર્ચે તૈયાર થશે.

પ્રગતિની સમીક્ષા તેમજ પ્રોજેક્ટનું નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પર કરશે. વડાપ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવશે.

નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં છે, તેમાંનું એક પ્રણ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું છે, જે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ના નિર્માણ થકી સાકાર થવા જઈ રહ્યું છે.

‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરશે

‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’માં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલ પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજોની મરામત પણ થતી હતી, એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે. આધુનિક ટેક્નોલૉજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે આ અતિપ્રાચીન સ્થળનો ફરી વિકાસ શક્ય બન્યો છે. ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આમ, ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરશે.

હજારો લોકો માટે રોજગારીની તકો

આ હેરિટેજ કૉમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ તેની સારસંભાળ લેવામાં આવશે. આ પ્રોજેક્ટ સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થા વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. જેના પરિણામ સ્વરૂપે હજારો લોકો માટે રોજગારીની અનેક તકો અહીં સર્જાશે તેમજ સંખ્યાબંધ કુટીર ઉદ્યોગોના વિકાસની પણ અનેક રાહ ખુલશે.

‘આત્મનિર્ભર ભારત’ વિઝન થશે સાકાર

અત્રે ઉલ્લેખનીય છે કે, લોથલમાં હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ રીતે કરવામાં આવી રહ્યું છે કે ભારતનો સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે. જેમાં અત્યંત આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને એ જ યુગને ફરી સજીવન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે. લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની સ્મૃતિના જતન માટે એકદમ યોગ્ય છે. આ સાથે આ પહેલ મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમ, સંશોધન અને નીતિગત વિકાસમાં ભારતને એક વૈશ્વિક કેન્દ્ર બનાવીને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરે છે.

વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમ

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિકઆ લાઇટહાઉસ મ્યુઝિયમ 77 મીટરનું હશે જેમાં 65 મીટર ઉપર ઓપન ગેલેરી હશે, જે સમગ્ર સંકુલના તમામ મુલાકાતીઓને ઓપન એર વ્યૂઇંગ ગેલેરી પ્રદાન કરશે. એટલું જ નહીં, રાત્રીના સમયે લાઇટિંગ શો પણ થશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. 100 રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ પણ તૈયાર થશે. આખા મ્યુઝિયમમાં ફરવા માટે ઈ-કારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. 500 ઇલેક્ટ્રિક કારના પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ ઉપરાંત 66 કે.વીનું સબસ્ટેશન પણ કાર્યરત થઇ ગયું છે.

સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ

આ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ ₹4500 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે. આ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કના નિર્માણના પગલે ઘણી આવિષ્કારી અને યુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હડપ્પીયન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ

સૌથી અગત્યની વાત એ પણ છે કે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે. આમ, મેરીટાઈમની ડિગ્રી એક જગ્યાએ પ્રાપ્ત થશે. સાથો-સાથ સ્ટુડન્ટ્સ એક્સેચેન્જ પ્રોગ્રામને વેગ મળશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં માત્ર મેરીટાઈમ કૉમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે. આ સાથે-સાથે દુનિયાની સૌથી મોટી અંડર વૉટર થીમિંગ ઓપન ગેલેરી પણ આ જ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમનાં મુલાકાતીઓને એક ભવ્ય મેરિટીઇમ ઇતિહાસમાંથી પસાર કરશે અને તેમને એક વિશ્વસ્તરીય મ્યુઝિયમની મુલાકાતનો અનુભવ મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now