નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને ખાસ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી છે. અમદાવાદ પોલીસે ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ વગરના વાહનો અને ડાર્ક ફિલ્મ લગાડેલી ગાડીઓ સામે કાર્યવાહીનો દંડો ચલાવ્યો છે.
બેફામ બનેલા નબીરાઓની સાન ઠેકાણે લાવતી પોલસી
અત્રે જણાવીએ કે, ડાર્ક ફિલ્મ હોય તેવી ગાડીઓ સામે સખ્ત કાર્યવાહીનો દોર પોલીસે હાથ ધર્યો છે. નવરાત્રિ પહેલા બેફામ બનેલા નબીરાઓની સાન ઠેકાણે લાવવા માટે પોલીસને પણ ખાસ સૂચના છે. ત્યારે 17 તારીખ સુધીમાં આ ડ્રાઇવમાં નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાળા ચાર હજાર વાહનચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
1785 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા!
આપને જણાવીએ કે, '18 સપ્ટેમ્બર 2025ના રોજ શહેરમાં 180 નંબર પ્લેટ વગરના વાહન સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહીનો દંડો ચલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ માસે શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનો અંગે કાર્યવાહી દરમિયાન 1785 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. આગામી નવરાત્રિ 2025ના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ નંબર પ્લેટ વગરના વાહનો તથા ડાર્ક ફિલ્મ લગાડેલા વાહનો ઉપર કાર્યવાહી કરશે'.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન પણ ડ્રાઈવ
વિગતો મુજબ અમદાવાદ શહેરમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન પણ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે, શહેરના એક એક રસ્તામાં પોલીસ તૈનાત રહેશે, શંકાસ્પદ વાહનચાલકો સામે કાર્યવાહી પણ કરશે.