અમેરિકામાં ભારતીય નાગરિકોની હત્યાનો મામલો સતત ચાલી રહ્યો છે. આજે વધુ એક ભારતીયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૂળ ગુજરાતના બોરસદના સિંગલાવ ગામની મહિલાની વેસ્ટ સાઉથ ખાતેના સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ગુજરાતી મહિલાનું નામ કિરનબેન પટેલ હતું. કિરનબેનના લગ્ન પેટલાદ તાલુકાના આશી ગામે થયા હતા. કિરનબેન અમેરિકામાં 23 વર્ષથી સ્થાયી સ્થાયી હતા. ત્યારે સાઉથ કેરોલીના યુનિયન કાઉન્ટીમાં 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10 વાગે ગેસ સ્ટેશન સ્ટોર પર બુકાનીધારી લૂંટારાએ પીછો કરી ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું.
3 સપ્ટેમ્બરે પણ ભારતીય યુવકની હત્યા થઈ હતી
કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં 30 વર્ષીય ભારતીય એન્જિનિયરની હત્યા કરવામાં આવી હતી. 3 સપ્ટેમ્બરના રોજ પોલીસે તેને ગોળી મારી દીધી હતી. પોલીસનું કહેવું છે કે મોહમ્મદ નિઝામુદ્દીને તેના રૂમમેટ પર છરીથી હુમલો કર્યો હતો. તેને રોકવા માટે પીછો કરતી વખતે પોલીસે તેને ગોળી મારી દીધી હતી, જેના કારણે તેનું મોત થયું.
પુત્રના મૃતદેહને ભારત લાવવાની માંગ
દરમિયાન, તેલંગાણાના મહબૂબનગર જિલ્લાના રહેવાસી મોહમ્મદના પિતા, મોહમ્મદ હસનુદ્દીને, ભારતીય વિદેશ મંત્રી જયશંકરને પત્ર લખીને જવાબ અને ન્યાયની માંગણી કરી છે. તેમણે વિદેશ મંત્રીને તેમના પુત્રના મૃતદેહને ભારત લાવવાની પણ અપીલ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે તેમનો પુત્ર માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગયો હતો અને કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં રહેતો હતો, પરંતુ તેમને એક મિત્ર તરફથી તેમની હત્યાના સમાચાર મળ્યા. તેમને શંકા છે કે આ ઝઘડો વંશીય ભેદભાવને કારણે થયો હશે, જેના વિશે તેમણે તેમના પરિવારને જણાવ્યું હતું.