Home International India Lpg Supply Crisis Iran War Alternative Solutions

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ : સરકારે શોધ્યો માસ્ટર પ્લાન

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 04:17 PM IST

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવને પગલે દેશમાં LPGની ભારે અછત સર્જાઈ છે જેના કારણે સામાન્ય જનતાથી લઈને ઉદ્યોગો સુધીના તમામ ક્ષેત્રો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે ભારત સરકારે હવે વ્યૂહાત્મક ફેરફાર કરીને ઉર્જા પુરવઠા માટે વૈકલ્પિક રસ્તાઓ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત હવે મધ્ય પૂર્વના દેશો પરની નિર્ભરતા ઘટાડીને અન્ય મોટા દેશો પાસેથી ગેસ મંગાવી રહ્યું છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધ અને ભારતની રણનીતિ

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા પ્રમાણે ભારતની કુલ LPG આયાતનો આશરે 90% હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝના દરિયાઈ માર્ગે આવતો હતો. હાલના યુદ્ધના કારણે આ વ્યૂહાત્મક માર્ગ પર અવરોધ આવતા ગેસનો પુરવઠો ખોરવાયો છે. આ કટોકટીનો ઉકેલ લાવવા માટે ભારતે હવે અમેરિકાથી LPG મંગાવવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત LNG એટલે કે લિક્વિડ નેચરલ ગેસ માટે રશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથેના કરાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે જેથી કરીને દેશમાં ઉર્જાની અછત ન સર્જાય.

ગ્રાહકોની હાલાકી અને ડિજિટલ બુકિંગ

દેશના અનેક ભાગોમાં ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. રેસ્ટોરન્ટ અને ઔદ્યોગિક એકમો પણ ઈંધણના અભાવે બંધ થવાની અણી પર છે. સરકારના જણાવ્યા મુજબ હાલમાં 93% ગ્રાહકો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઇન બુકિંગ કરાવી રહ્યા છે. સત્તાધીશોએ લોકોને અપીલ કરી છે કે તેઓ વિતરકોની ઓફિસે જઈને ભીડ કરવાને બદલે હોમ ડિલિવરીની રાહ જુએ અને ધીરજ રાખે. ઉર્જા ક્ષેત્રના નિષ્ણાંતોનું માનવું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો પુરવઠા પર હજુ વધુ દબાણ આવી શકે છે.

ઉર્જા મથકો પર હુમલાથી વધ્યું જોખમ

વૈશ્વિક સ્તરે સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ઈરાન અને અમેરિકા તેમજ ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં ઉર્જા મથકોને નિશાન બનાવવામાં આવ્યા. ઈતિહાસમાં પ્રથમ વખત તેલ અને ગેસના ઉત્પાદન એકમો પર સીધા હુમલા કરવામાં આવી રહ્યા છે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારત સરકાર આ સ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહી છે અને અન્ય દેશો સાથે મળીને સુરક્ષિત સપ્લાય લાઇન બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now