Home International Us Visa Bond Rule 50 Countries India Pakistan Update

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય : 50 દેશોના નાગરિકોએ વિઝા મેળવવા માટે હવે 15,000 ડૉલરનો બોન્ડ ભરવો પડશે

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 04:10 PM IST

અમેરિકાના પ્રવાસનું આયોજન કરી રહેલા વિદેશી નાગરિકો માટે ટ્રમ્પ પ્રશાસને એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આગામી 2 એપ્રિલ 2026થી અમલી બનનારા નવા નિયમ અનુસાર હવે કુલ 50 દેશોના પ્રવાસીઓએ અમેરિકાના વિઝા મેળવતા પહેલા સુરક્ષા પેટે નિશ્ચિત રકમનો બોન્ડ જમા કરાવવો પડશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદેશી નાગરિકો દ્વારા કરવામાં આવતા વિઝા નિયમોના ઉલ્લંઘનને ડામવાનો છે. જોકે આ યાદીમાં ભારત અને પાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો નથી જે આ બંને દેશના નાગરિકો માટે રાહતના સમાચાર ગણી શકાય.

વિઝા બોન્ડ પાછળનું મુખ્ય કારણ

અમેરિકી સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે અનેક પ્રવાસીઓ B1 અથવા B2 વિઝા પર અમેરિકામાં પ્રવેશ કર્યા બાદ નિયત સમયમર્યાદા પૂરી થવા છતાં સ્વદેશ પરત ફરતા નથી. આવા કિસ્સાઓને અટકાવવા માટે પ્રશાસને હવે 15,000 ડૉલર સુધીના વિઝા બોન્ડની જોગવાઈ કરી છે. આ પ્રક્રિયા હેઠળ જો કોઈ પ્રવાસી નિર્ધારિત સમયે પોતાના દેશ પરત ફરે છે અથવા તો મુસાફરી રદ કરે છે તો તેને આ રકમ પરત કરી દેવામાં આવશે. અગાઉના આંકડાઓ મુજબ 50 દેશોના આશરે 44,000 થી વધુ લોકો વિઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાઈ ગયા હતા જેની સામે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

કયા નવા દેશોનો યાદીમાં સમાવેશ થયો?

આ અગાઉ આ યાદીમાં 38 દેશોનો સમાવેશ થતો હતો જેમાં હવે કમ્બોડિયા, ઇથિયોપિયા, જ્યોર્જિયા, ગ્રેનાડા, લેસોથો અને મોરેશિયસ જેવા 12 નવા દેશો ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત મંગોલિયા, મોઝામ્બિક, નિકારાગુઆ, પાપુઆ ન્યુ ગિની, સેશેલ્સ અને ટ્યુનિશિયાના નાગરિકોએ પણ હવે અમેરિકામાં પ્રવેશવા માટે આ આર્થિક ગેરંટી આપવી પડશે. અલ્જીરિયા, બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળ જેવા દેશો આ કાયદા હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવ્યા છે.

અમેરિકી અર્થતંત્રને થનારો ફાયદો

ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે આ નીતિના અમલીકરણથી અમેરિકી કરદાતાઓના વાર્ષિક અંદાજે 800 મિલિયન ડૉલરની બચત થશે. સામાન્ય રીતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા એક વ્યક્તિને દેશનિકાલ કરવા માટે સરકારને સરેરાશ 18,000 ડૉલરનો ખર્ચ કરવો પડે છે. આ બોન્ડ સિસ્ટમથી ગેરકાયદેસર વસવાટમાં ઘટાડો થશે અને વહીવટી ખર્ચમાં પણ મોટી રાહત મળશે. વિદેશ વિભાગે સંકેત આપ્યા છે કે ભવિષ્યમાં ઇમિગ્રેશન જોખમોને ધ્યાનમાં રાખીને અન્ય દેશોને પણ આ યાદીમાં ઉમેરી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now