logo-img
A Success Story Of Prosperity Through Cooperation Maniben Of Banaskantha Sold Milk Worth 194 Crore

બનાસકાંઠાના માનીબેનની સાફલ્યગાથા : એક વર્ષમાં 12 થી 230 ગાય-ભેંસ અને ₹ 1.94 કરોડનું દૂધ વેચ્યું

બનાસકાંઠાના માનીબેનની સાફલ્યગાથા
Published by: Offbeat Team
| Last Updated: Sep 18, 2025, 11:06 AM IST

દેશના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેના માધ્યમથી દેશના દરેક ગામડાના ખેડૂતો અને પશુપાલકોને સમૃદ્ધ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે. આ વિઝન પર આગળ વધતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સહકારી ક્ષેત્રમાં સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સહકાર ક્ષેત્રે થયેલા વ્યાપક પ્રયાસોના પરિણામે આજે રાજ્યના પશુપાલકો સમૃદ્ધ થઇ રહ્યાં છે અને ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજને પ્રેરણા આપી રહી છે. આવી જ એક સાફલ્યગાથા બનાસકાંઠાના માનીબેનની છે જેમણે વર્ષ 2024-25માં ₹1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે તેઓ ₹3 કરોડનું દૂધ વેચવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તૈયારી કરી રહ્યાં છે.

*સહકારથી સમૃદ્ધિની સાફલ્યગાથા: બનાસકાંઠાના માનીબેને 2024-25માં ₹ 1.94 કરોડનું દૂધ વેચ્યું, આ વર્ષે ₹3 કરોડનું દૂધ વેચવાનું લક્ષ્યાંક

* ગાય-ભેંસની સંખ્યા 12થી વધીને 230 થઇ, આ વર્ષે 100 નવી ભેંસો ખરીદીને દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે

* ગુજરાતની મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર, રાજ્યમાં 16,000માંથી 4150 જેટલી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત

* ગુજરાતની મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર, રાજ્યમાં 16,000માંથી 4150 જેટલી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત

* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દરરોજ 1100 લિટર દૂધ

કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતા 65 વર્ષીય માનુબેન જેસુંગભાઈ ચૌધરી સ્થાનિક ધી પટેલવાસ (કસરા) દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દરરોજ 1100 લિટર દૂધ ભરાવે છે. વર્ષ 2024-25માં તેમણે 3,47,180 લીટર દૂધ ભરાવ્યું હતું જેનું મૂલ્ય ₹1,94,05,047 થાય છે. તેમની આ સિદ્ધિના લીધે તેમણે આ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં “શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી” શ્રેણીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. બનાસકાંઠાના બાદરપુરા ખાતે તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં તેમને આ સિદ્ધી બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.

આ વર્ષે વધુ 100 નવી ભેંસ ખરીદવાની તૈયારી

માનુબેન આ સફળતાને નવી ઉંચાઇએ લઇ જવા માંગે છે. તેમના પરિવારમાં ત્રણ દીકરાઓ પૈકી સૌથી નાના વિપુલભાઇએ જણાવ્યું હતું કે, “બનાસ ડેરી તરફથી યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે અને અમે આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે 2011માં 10થી 12 જેટલી ગાય અને ભેંસ હતી જેની સંખ્યા હવે 230થી વધુ થઇ ગઇ છે. અમારી પાસે અત્યારે 140 મોટી ભેંસ, 90 ગાય અને 70 જેટલા નાના બચ્ચા છે. આ વર્ષે અમે 100 ભેંસ ખરીદીને દૂધ ઉત્પાદનને વધારવા માંગીએ છીએ. આ વર્ષના અંતે અમે ત્રણ કરોડથી વધુ મૂલ્યનું દૂધ વેચવા માટે તૈયારી કરી રહ્યા છીએ.”

મહેસાણી અને મુરાહ પ્રજાતિની ભેંસો

માનુબેનના પરિવાર દ્વારા ગાયો અને ભેંસોની જાળવણી માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની પાસે બન્ની, મહેસાણી અને મુરાહ પ્રજાતિની ભેંસો છે તેમજ એચ એફ ગાયોની સાથે ચાર દેશી કાંકરેજ પ્રજાતિની ગાય પણ ઉપલબ્ધ છે. 16 પરિવારને રોજગારી, દૂધ દોહન કામગીરી માટે મશીનરી, પશુપાલનની આ કામગીરીમાં અત્યારે માનુબેન સાથે 16 જેટલા પરિવાર સંકળાયેલા છે. ગાય અને ભેંસોના દૂધ દોહનની કામગીરી માટે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે. પશુપાલનની તમામ કામગીરીમાં તેમના પરિવારના સભ્યો પણ સક્રિયપણે સહયોગ આપીને આત્મનિર્ભર બનાવાની પ્રેરણા આપી રહ્યા છે. વિપુલભાઇના જણાવ્યા અનુસાર, “અમે ત્રણેય ભાઇઓ ગ્રેજ્યુએટ છીએ અને અમે સૌ આ કામગીરીમાં સંકળાયેલા છીએ. પશુપાલન ક્ષેત્રમાં આવક વધવાથી ઘણા નવયુવાનોને આ કામમાં સામેલ થવાની પ્રેરણા મળશે.”

રાજ્યમાં 4150 જેટલી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત

ગુજરાતના પશુપાલન ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા સંચાલિત ડેરી કો-ઓપરેટિવ્સ અને સ્વસહાય જૂથોની સંખ્યા પણ નોંધનીય છે. રાજ્યમાં કુલ 16,000થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે જેમાંથી 4150 જેટલી મહિલા સંચાલિત મંડળીઓ છે. રાજ્યના કુલ 36 લાખથી વધુ સભાસદો પૈકી 11 લાખથી વધુ સભાસદો મહિલા છે. બનાસ ડેરી જેવી મોટી ડેરીઓમાં, જ્યાં એક દિવસમાં 90 લાખ લિટર જેટલું દૂધ સંપાદન થાય છે, ત્યાં પણ મહિલા પશુપાલકોનું નોંધપાત્ર યોગદાન છે. બનાસ ડેરીમાં ઘણી મોટી સંખ્યામાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now