પંચમહાલના ગોધરાની બામરોલી રોડ પર આવેલી દીપ મેટરનિટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં બાળકીના ગેરકાયદેસર દત્તક લીધા અને વેચાણનો ખુલાસો થતાં સમાજમાં ખળભળાટ મચી ગયો છે.
કાવતરું ઘડીને કરતા હતા બાળ તસ્કરી?
પ્રાપ્ત માહિતી મુજબ, દીપ મેટરનેટી હોસ્પિટલમાં એક અજાણી મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી હતી, અને બાળકીને જન્મ આપ્યા બાદ માતાએ તેને ત્યાં જ ત્યજી દીધી હતી. હોસ્પિટલના સ્ટાફે બાળકીને ગોધરા તાલુકાના એક ગામના વ્યક્તિને ગેરકાયદેસર રીતે સોંપી દીધી હતી. આ આખું કાવતરું હોસ્પિટલ તંત્ર અને કેટલાક અન્ય ઇસમો વચ્ચે પૂર્વનિયોજિત રીતે ઘડાયેલું હતું.
તબીબને શંકા ગઈ અને કૌભાંડનો પર્દાફાશ થયો!
બાળકીને સારવાર માટે ગોધરા, વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્યની ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવી, ત્યારે એક તબીબે આ મામલે શંકા વ્યક્ત કરી અને પોલીસને જાણ કરી. આ જાણકારીના આધારે સમગ્ર માનવ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે બે આરોપીને દબોચ્યા
પોલીસે હવે સમગ્ર મામલે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દીપ મેટરનેટી હોસ્પિટલના સ્ટાફ, બાળકીની જન્મદાયી અજાણી મહિલા અને દત્તક લેવા માટે લીધેલી વ્યક્તિ સહિત કુલ 8 ઈસમો સામે માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી તેમજ મિલન બાબુ રાણા નામના વોર્ડ બોયને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે મિલન રાણાને લઈને દીપ હોસ્પિટલ ખાતે તપાસ હાથધરી છે. સાથે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમની પણ લેવાઈ છે. સીસીટીવી ફૂટેજ, હોસ્પિટલ સ્ટાફના નિવેદનો અને સ્થળ પર પંચનામા સહિત તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.