વડોદરમાં પાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી. જ્યાં હરણી બોટકાંડમાં જીવ ગુમાવનાર બે નિર્દોષ બાળકોના પરિવારો કોર્પોરેશનની બેઠકમાં પહોંચ્યો હતો પરંતુ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લીધી હતી.
અત્રે જણાવીએ કે,કાઉન્સિલર તરફથી ભલામણ હોય તો પાલિકામાંથી સભા જોવા માટે કોઈ પણ નાગરિક આવી શકે છે અને જે માટે પાલિકા તરફથી પાસ પણ ઇસ્યુ કરવામાં આવતા હોય છે. આ રીતે જ પરિવારની બે માતાઓ સરલા સિંદે અને સંધ્યા નિઝામા પાસ લઈને પરિવાર સાથે સામાન્ય સભા જોવા પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા, ત્યારે તેમને સિક્યુરિટી દ્વારા બહાર કાઢી નવાપુરા પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
''નીતિ નિયમ પ્રમાણે શાંતિથી સભા જોવા બેઠા હતા''
વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો પણ પોલીસ મથકે એકઠા થયા હતા અને આ પ્રકારની કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી તેમ જણાવ્યું હતું.. ઉલ્લેખનીય છે કે, અટકાયત કરેલી પીડિત માતાએ જણાવ્યું હતું કે, ''અમે તમામ પાલિકાના નીતિ નિયમ પ્રમાણે શાંતિથી સભા જોવા બેઠા હતા ત્યારે અમારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે ખૂબ જ દુઃખદની બાબત છે, અમારે હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ચૂક્યું છે''.
પાસ માટે કોણ ભલામણ કરી હતી?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બે માતાઓમાં એક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા કાઉન્સિલર આશિષ જોષી અને બીજા હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં કાઉન્સિલર એવા પારૂલબેન પટેલના ભલામણ પર સભા જોવા માટેના પાસ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ બાબતે કાઉન્સિલર આશિષ જોષીએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતોની જાણ થતાં હરણી બોટકાંડ મામલે કેસ લડતા એડવોકેટ હિતેશ ગુપ્તા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.