logo-img
Crowd Creates Ruckus At Godhra City B Division Police Station

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર લોક ટોળાનો હોબાળો : 17 ની અટકાયત, 88 સામે નામજોગ ગુનો દાખલ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર લોક ટોળાનો હોબાળો
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 20, 2025, 08:26 AM IST

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકે ગઈકાલે રાત્રિના સમયે એક ગંભીર ઘટના બની હતી. સોશિયલ મીડિયા પર એક ઈન્ફ્લુએન્સરને લઈને ફેલાયેલી ગેરસમજના કારણે મોટી સંખ્યામાં લોકો ગુસ્સેમાં આવીને પોલીસ મથક તરફ ધસી આવ્યા હતા. ગુસ્સામાં બેકાબૂ ભીડે હોબાળો મચાવતાં પોલીસે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

17 ઈસમોની અટકાયત કરી

પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 88 ઈસમોના નામજોગ અને અંદાજે 200થી વધુ અજાણ્યા લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસે ઘટનામાં સામેલ એવા 17 ઈસમોની અટકાયત કરી છે. વધુ તપાસ માટે પોલીસએ એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની પણ મદદ લીધી છે જેથી વધુ પુરાવાઓ એકત્રિત કરી શકાય.

પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

હજુ સુધી કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને હાલ ગોધરા શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર શહેરમાં એક એસ.પી., એક ડી.વાય.એસ.પી., 10 પી.આઈ. અને 15 પીએસઆઈ સહિતનો મોટો પોલીસ સ્ટાફ તહેનાત રાખવામાં આવ્યો છે. ઉપરાંત ગોધરા તાલુકા, શહેરા અને કાંકણપુર સહિતના નજીકના પોલીસ મથકમાંથી પણ પોલીસ સ્ટાફને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોલાવવામાં આવ્યા છે.

''ખોટી વાતો કે અફવાઓ પર વિશ્વાસ ન કરે''

પોલીસનું કહેવું છે કે, ''સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ વ્યક્તિમાં ગુનાની ભૂમિકા હશે તેમના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જનતાને અપીલ કરવામાં આવી છે કે, શાંતિ જાળવે અને કોઈ પણ પ્રકારની ખોટી વાતો કે અફવાઓ પર વિશ્વાસ ન કરે''.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now