Home Gujarat Sadhguru Pradeepji Whose Ashram Was Printing Fake Currency Surat Ahmedabad Crime Branch

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ' : ગ્રામજનોએ ફોડ્યો ભાંડો! જાણો કોણ છે એ યોગગુરુ જેના આશ્રમમાં છપાતી હતી કરોડો રૂપિયાની નકલી નોટો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 12:30 PM IST

Who Is Sadguru Pradeepji : અમદાવાદમાં પકડાયેલી કરોડો રૂપિયાની નકલી નોટના કેસમાં મોટો ધડાકો થયો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં નકલી નોટોના કરોબારનું ગુજરાતનું આ સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. જેમાં સત્યમ યોગ ફાઉન્ડેશનનો અસત્ય ચહેરો ખૂલ્યો છે. યોગના નામે યોગગુરુ પ્રદીપના આશ્રમમાં નકલીનો નોટોનો વેપલો ચાલતો હતો. સુરતના સત્યમ યોગ આશ્રમની આડમાં નકલી નોટો બનાવવાનું કારખાનું ચાલતું હતું. સોશિયલ મીડિયા પર આ યોગગુરુની વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ, કેબિનેટ મંત્રીઓ જેવી મોટી મોટી નામાંકિત હસ્તીઓ સાથેની તસવીરો પણ સામે આવી છે. જેને કારણે આ કેસ હવે ખુબ હાઈપ્રોફાઈલ બની ગયો છે. પોલીસની તપાસ દરમિયાન આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે. ત્યારે જાણીએ કે એક યોગગુરુ આખરે કઈ રીતે બની ગયો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'?

સુરતમાં છપાયેલી હજારો નકલી નોટો આજે અમદાવાદ પહોંચી અને તેની સાથે જ સત્યમ યોગ ફાઉન્ડેશનના પાપનો પર્દાફાશ થયો! અમદાવાદના અમરાઈવાડીમાંથી આજે સવારે 2.10 કરોડની નકલી નોટ પકડાઈ છે. સરકારી લેબલ લગાવેલા કારમાંથી 2.10 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટ મળી આવી છે. તપાસમાં સામે આવ્યું કે, સત્યમ ફાઉન્ડેશનની કારમાંથી આ કરોડોની નકલી નોટો મળી છે. આ નકલી નોટના કારોબારમાં સદગુરૂ પ્રદીપજીનું નામ ખૂલ્યું છે. માર્કેટમાં 500 રૂપિયાની હજારો નોટો ફરતી કરીને અર્થતંત્રને કોણ લગાડવા માંગતું હતું કરોડો રૂપિયાનો ચુલો? નકલી નોટોની હેરાફેરીનો માસ્ટર માઇન્ડ યોગગુરુ પ્રદીપજી કોણ છે અને શું છે તેને ઇતિહાસ જાણો આ વિશેષ અહેવામાં.

લોકો માટે સામાન્ય લાગતી બુધવારની એ રાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે સામાન્ય નહોંતી. ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમો અલગ અલગ ટુકડી બનાવીને રાતથી જ શહેરમાં ગોઠવાઈ ગઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત સૂત્રો દ્વારા બાતમી મળી હતીકે, અમરાઈવાડી વિસ્તારમાં લક્ઝરી કારમાં કરોડોની નોટોની હેરાફેરી થવાની છે. બસ પછી તો શું હતું પોલીસે ફિલ્ડિંગ ગોઠવી રાખી હતી અને રાહ જોવાઈ રહી હતી કરોડોની કિંમતની નકલી નોટો ભરેલાં વાહનની.

રસ્તાઓ પર ટ્રાફિક ધીમે ધીમે ઓસરતો હતો, પણ પોલીસની નજર હવે સુરતથી નકલી નોટોના બંડલો લઈને આવતી એક જ કાર પર હતી. પોલીસ અર્જુનની જેમ એકીટશે કારની પ્રતિક્ષા કરી રહી હતી. એવામાં લાંબી ઇંતેજારી બાદ આખરે એ સમય આવી ગયો. દૂરથી કોઈ સરકારી અધિકારી કે વગદાર નેતાની ગાડી હોય તેવા લેબલ સાથે ફરતી એક ફોર્ચ્યુનર રસ્તા પર દેખાઈ. પોલીસે આ કારને તપાસ માટે રોકી. તરત જ કારમાં અંદર બેઠેલા લોકોના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. પોલીસે કારમાં બેસેલાં શખ્સોને બહાર કાઢ્યા અને કારની તપાસ શરૂ કરી. કારની તપાસ કરતા ગણતરીની પળોમાં જ પોલીસને જે મળ્યું તે જોઈને સૌ કોઈ થોડી ક્ષણ માટે ચોંકી ઉઠ્યા. લઝરીયસમાં ભરેલાં હતી બંડલ પર બંડલ ભરેલી 500 રૂપિયાની નોટો… કુલ અંદાજે 2.10 કરોડ રૂપિયાની નોટોથી આખી ગાડી ભરેલી હતી.

આ માત્ર એક કિસ્સો નહોતો, આ તો એક મોટા કૌભાંડનું દ્વાર હતું. તપાસ આગળ વધતાં એક નામ સામે આવ્યું અને તે હતું સત્યમ યોગ ફાઉન્ડેશન. બહારથી આ સંસ્થા યોગ અને આધ્યાત્મિકતા માટે જાણીતી હતી, પરંતુ હવે તેના પાછળ છુપાયેલો ચહેરો બહાર આવવા લાગ્યો. આ ફાઉન્ડેશનના સ્થાપક તરીકે ઓળખાતા સદગુરુ પ્રદીપજી પર શંકાની સોય વળી. અને કરોડો રૂપિયાની ચલણી નોટોનો તાર સીધો સુરત સુધી જોડાયો.

તપાસની દિશા હવે અમદાવાદથી સીધી સુરત તરફ વળી. કામરેજ નજીકના પારડી ગામમાં આવેલો આશ્રમ હવે પોલીસ માટે કેન્દ્રબિંદુ બની ગયો. ગામલોકો વર્ષોથી આ આશ્રમ વિશે શંકા વ્યક્ત કરતા હતા, પરંતુ કોઈ પાસે પુરાવા નહોતા. તેઓ કહેતા કે દિવસ દરમિયાન આશ્રમમાં યોગ અને સાધનાની વાતો થતી, પરંતુ રાત્રે કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળતું. અજાણ્યા લોકોનું આવાગમન, અંદર જવાની મનાઈ, અને રહસ્યમય વાતાવરણ. હવે ધીરેધીરે એકબાદ એક તાર જોડાઈ રહ્યાં હતા અને આ બધું હવે સમજમાં આવવા લાગ્યું.

પોલીસ ટીમ જ્યારે આશ્રમ સુધી પહોંચી, ત્યારે ત્યાંનો માહોલ અચાનક બદલાઈ ગયો. શાંતિભરેલા આશ્રમની દીવાલો પાછળ શું છુપાયેલું છે તે શોધવાનો સમય આવી ગયો હતો. તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી, અને પોલીસને શંકા મજબૂત થઈ કે અહીં માત્ર યોગ જ નહીં, પણ કંઈક ગેરકાયદેસર પણ ચાલતું હતું. શું આ જ જગ્યા પર નકલી નોટો છપાતી હતી? કે પછી આ માત્ર એક ટ્રાન્ઝિટ પોઈન્ટ હતો?

સદગુરુ પ્રદીપજી, જે લોકોને આધ્યાત્મિક માર્ગ બતાવવાનો દાવો કરતા હતા, હવે પોતે જ કાયદાની જાળમાં ફસાઈ ગયા. તેમના વિશે ગામલોકોએ વધુ ચોંકાવનારા દાવા કર્યા.

અહેવાલો મુજબ આ આશ્રમની નજીક વર્ષોથી રહેતા અહીંના ગ્રામજનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યુંકે, રોજ રાત્રે અંધારું થતા જ સ્વરૂપવાન યુવતીઓના આશ્રમમાં આટાંફેરા શરુ થઈ જતા હતા. અને ત્યાર બાદ આશ્રમની આડમાં કંઈજ જુદી જ રંધાતું હતુ. મોંઘીદાટ ગાડીઓમાં બહારથી કેટલાંક અજાણ્યા લોકો પણ મોડી રાત્રે આશ્રમમાં આવતી અને ત્યાર બાદ આશ્રમમાં તમામ પ્રકારના કાળાકામો થતા હતા. આ પ્રવૃત્તિ આજકાલની નહીં પરંતુ લાંબા સમયથી ચાલતી હતી. સ્થાનિકોમાંથી કેટલાક લોકોએ તો એ પણ કહ્યું કે આશ્રમમાં પ્રવેશ માટે કડક મનાઈ હતી, જાણે અંદર કંઈક એવું ચાલતું હોય જે બહાર ન આવવું જોઈએ.

ક્રાઈમ બ્રાન્ચે ઝડપથી કાર્યવાહી કરીને એક મહિલા સહિત કુલ છ લોકોને ધરપકડ કરી. હવે દરેક વ્યક્તિ પાસેથી મળતી માહિતી એક નવી કડી જોડતી હતી. નોટો ક્યાં છપાતી હતી, કોણ સપ્લાય કરતું હતું, અને આ નેટવર્ક કેટલું મોટું હતું. આ બધા સવાલોના જવાબ શોધવાની પ્રક્રિયા શરૂ થઈ. આ કેસમાં સૌથી રસપ્રદ બાબત એ હતી કે સદગુરુ પ્રદીપજીની ઓળખ માત્ર એક આશ્રમ સુધી મર્યાદિત નહોતી. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો મોટા મોટા નેતાઓ અને જાણીતી હસ્તીઓ સાથે જોવા મળતી હતી. આ કારણે આ કિસ્સો વધુ સંવેદનશીલ બની ગયો. શું આ માત્ર એક વ્યક્તિનો ખેલ હતો, કે પછી તેની પાછળ કોઈ મોટું ગોઠવણ કામ કરી રહ્યું હતું?

સદગુરુ પ્રદીપની નેતાઓ સાથે તસવીરઃ

શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના સોશિયલ મીડિયા ફાઉન્ડેશન પર અનેક નેતાઓની સદગુરુ પ્રદીપ સાથેની તસવીરો જોવા મળી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્ર ચૂડાસમા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક હસ્તીઓની યોગગુરુ સાથે તસવીર જોવા મળી છે.

જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ તેમ આ કૌભાંડની ઊંડાઈ વધતી ગઈ. દરેક નવી માહિતી એક નવી શંકા જન્માવતી હતી. પોલીસ માટે આ માત્ર નકલી નોટોનો કેસ નહોતો, પરંતુ એક એવી જાળ હતી જેમાં ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. આજ પણ આ કેસનો અંત આવ્યો નથી. આશ્રમની શાંતિભરી દીવાલો પાછળ છુપાયેલું સત્ય ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. કદાચ હજુ ઘણી વાતો બહાર આવવાની બાકી છે. એક વાત ચોક્કસ છે. વિશ્વાસ અને આધ્યાત્મિકતાના નામે ચાલતો આ ખેલ હવે ખુલ્લો પડી ગયો છે, અને તેના પડછાયા હજુ લાંબા સમય સુધી સમાજને સતાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now