Home Health-lifestyle World Oral Health Day Gdch Ahmedabad Oral Cancer Prevention

World Oral Health Day : ઓરલ કેન્સર સામે અમદાવાદની GDCH બની મજબૂત ઢાલ, પ્રિવેન્ટિવ કેરથી હજારો જીવ બચાવ્યા, 33 જિલ્લાઓમાં ચલાવ્યું ‘મિશન મોડ’ અભિયાન

World Oral Health Day
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 09:54 AM IST

World Oral Health Day: વર્લ્ડ ઓરલ હેલ્થ ડેના અવસરે ગુજરાતની અમદાવાદ સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GDCH) ઓરલ હેલ્થ અને ઓરલ કેન્સરના નિવારણમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ સંસ્થાએ પ્રિવેન્ટિવ હેલ્થકેરના માધ્યમથી ઓરલ કેન્સર જેવી જીવલેણ બીમારી સામે મજબૂત ઢાલ તૈયાર કરી છે. રાજ્ય સરકારની આક્રમક જાગૃતિ અને સ્ક્રીનિંગની નીતિથી હજારો લોકોને સમયસર કેન્સરથી બચાવવામાં સફળતા મળી છે.

વર્ષ 2025માં GDCHના પ્રયાસોથી 12,915 લોકોના ઓરલ સ્ક્રીનિંગ દ્વારા 3,023 પ્રી-કેન્સર કેસોની ઓળખ કરવામાં આવી હતી. આ આંકડો વર્ષ 2024ના 2,617 કેસો કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. શરૂઆતી તબક્કે (પ્રી-મેલિગ્નન્ટ સ્ટેજ) રોગની ઓળખ થવાથી હજારો પરિવારો કેન્સરના ભયમાંથી મુક્ત થયા છે અને રાજ્યની કેન્સર સંસ્થાઓ પર સર્જિકલ બોજ પણ ઘટ્યો છે.

33 જિલ્લાઓમાં 282 ડેન્ટિસ્ટ્સનું 'મિશન મોડ' અભિયાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ (NOHP) અને GDCHની ટીમે વર્લ્ડ ઓરલ હેલ્થ મંથ (20 માર્ચથી 20 એપ્રિલ 2025) દરમિયાન વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન હેઠળ રાજ્યના 33 જિલ્લાઓમાં 282 ડેન્ટિસ્ટ્સે 12,915 લોકોનું સઘન સ્ક્રીનિંગ કર્યું. અભિયાનમાં 265 હેલ્થ ટોક્સ, 2 વોકથોન અને 94 સ્થળોએ તમાકુ નિષેધની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આશા કાર્યકર્તાઓને વિશેષ તાલીમ આપીને ગ્રામ્ય સ્તરે મોઢાના આરોગ્યની દેખરેખને મજબૂત બનાવવામાં આવી છે. આ રાજ્યવ્યાપી નેટવર્કે જાગૃતિ અને વહેલી ઓળખનું મજબૂત પાયું નાખ્યું છે.

OPD સેવાઓમાં રેકોર્ડ વપરાશ: જાગૃતિ વધી રહી છે

GDCH અમદાવાદની નિયમિત OPD સેવાઓના આંકડા પણ પ્રોત્સાહક છે. વર્ષ 2025માં 2,24,130થી વધુ દર્દીઓએ ડેન્ટલ સેવાઓનો લાભ લીધો. વર્ષ 2026ના પ્રારંભિક મહિનાઓમાં પણ આ વલણ ચાલુ છે – જાન્યુઆરીમાં 17,788 અને ફેબ્રુઆરીમાં 17,564 દર્દીઓએ સારવાર મેળવી. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતના નાગરિકો હવે મોઢાના આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે.

વંચિત વર્ગો સુધી અત્યાધુનિક સેવાઓ

GDCHએ માત્ર હોસ્પિટલ સુધી મર્યાદિત રહીને નથી કામ કર્યું, પરંતુ મોબાઇલ ડેન્ટલ ટીમ અને 45 વિશેષ ડેન્ટલ આઉટરીચ કેમ્પ દ્વારા સમાજના અંતરિયાળ અને વંચિત વર્ગો સુધી પહોંચ્યું છે. આ પહેલ હેઠળ જેલના કેદીઓ, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને દિવ્યાંગ બાળકો સહિત 4,980થી વધુ લાભાર્થીઓની ઓરલ હેલ્થ તપાસ કરવામાં આવી.શાળાઓમાં આયોજિત કેમ્પોમાં દિવ્યાંગ બાળકોને પ્રાથમિકતા આપીને ‘પિટ એન્ડ ફિશર સિલન્ટ’ અને ‘ફ્લોરાઇડ વાર્નિશ’ જેવી આધુનિક પ્રિવેન્ટિવ સારવાર આપવામાં આવી, જેથી દાંતના રોગોને શરૂઆતમાં જ અટકાવી શકાય.

આ તમામ પ્રયત્નો દર્શાવે છે કે અમદાવાદની GDCH આજે દેશમાં ઓરલ હેલ્થકેરના ક્ષેત્રે એક રોલ મોડેલ તરીકે ઉભરી આવી છે. વર્લ્ડ ઓરલ હેલ્થ ડે 2026ના અવસરે આ સંસ્થાની સિદ્ધિઓ એક પ્રેરણા છે – જે કહે છે કે “એક સુખી મોં એટલે એક સુખી જીવન”.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now