Home Health-lifestyle Monsoon Snake Bite Prevention Doctor Advice Gujarat

ચોમાસામાં વધે છે સર્પદંશનું જોખમ : ડૉક્ટરે આપી જીવન બચાવતી સલાહ, જાણો લો ખૂબ કામ આવશે!

સાપ અને સારવાર
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 02, 2026, 01:55 AM IST

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સર્પદંશના બનાવોમાં વધારો થવાની શક્યતા રહે છે. વરસાદને કારણે સાપ સહિતના વિવિધ જીવજંતુઓ પોતાના દરમાંથી બહાર નીકળતા હોવાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો, ખેતરો અને પાણી ભરાયેલા વિસ્તારોમાં કામ કરતા લોકો માટે વધુ સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. તબીબોએ જણાવ્યું છે કે સર્પદંશની ઘટનામાં ગભરાવાને બદલે સમયસર યોગ્ય સારવાર મળે તો મોટાભાગના દર્દીઓનો જીવ બચાવી શકાય છે.

તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં સાપ શીતનિદ્રામાં રહે છે, જ્યારે ઉનાળામાં ઈંડાં મૂકે છે. ચોમાસા દરમિયાન આ ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવતા હોવાથી સાપોની અવરજવર નોંધપાત્ર રીતે વધી જાય છે. વરસાદને કારણે પાણી ભરાતા અથવા દરોમાં પાણી ઘૂસતા સાપ રહેણાંક વિસ્તારો, ખેતરો, ગોડાઉન અને અન્ય સુરક્ષિત સ્થળોની શોધમાં બહાર આવે છે. જોકે દરેક સાપ ઝેરી હોય એવું જરૂરી નથી. અનેક જાતિના સાપ સંપૂર્ણપણે બિનઝેરી પણ હોય છે, છતાં કોઈપણ સર્પદંશને ગંભીરતાથી લેવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ચોમાસાની સાથે આવે છે ચાની ચૂસકી અને ભજીયાની સુગંધ! : વરસાદ કેવી રીતે સ્ટ્રીટ ફૂડના કરોડોના બિઝનેસને આપે છે નવી ઉડાન?

સર્પદંશ થાય તો ઘરગથ્થુ ઉપચાર નહીં, તાત્કાલિક હોસ્પિટલ પહોંચો

એમડી ડૉ. યોગેશ કાતરિયાએ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને સાપ કરડે તો સૌપ્રથમ ગભરાવું નહીં અને દર્દીને શક્ય તેટલો શાંત રાખવો જોઈએ. કરડેલો ભાગ ઓછો હલનચલન કરે તેની કાળજી રાખવી અને વિલંબ કર્યા વિના નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે કરડેલા ભાગ પર દોરડું કે કપડું ખૂબ કસીને બાંધવું, ઘા કાપવો, ઝેર ચૂસવાનો પ્રયાસ કરવો અથવા કોઈપણ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવો જોખમી સાબિત થઈ શકે છે. આવા પ્રયાસોથી દર્દીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. યોગ્ય તબીબી સારવાર અને જરૂરી હોય ત્યારે એન્ટી-સ્નેક વેનોમ સમયસર આપવામાં આવે તો મોટાભાગના દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે છે.

ચોમાસામાં આ સાવચેતીઓ રાખવી જરૂરી

ડૉ. યોગેશ કાતરિયાના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન કેટલીક સરળ સાવચેતીઓ અપનાવીને સર્પદંશનું જોખમ ઘણું ઓછું કરી શકાય છે. રાત્રિના સમયે બહાર નીકળતી વખતે હંમેશા ટોર્ચનો ઉપયોગ કરવો જોઈએ જેથી રસ્તામાં રહેલા સાપ અથવા અન્ય જીવજંતુ દેખાઈ શકે. ખેતરમાં કામ કરતી વખતે ગમબૂટ અથવા જાડા તળિયાવાળા જૂતાં પહેરવા તેમજ હાથમાં મોજાંનો ઉપયોગ કરવો સલામતી માટે જરૂરી છે. ઘરની આસપાસ ઝાડી-ઝાંખરા, કચરો અથવા ભંગાર એકત્ર થવા દેવું નહીં. અનાજ, લાકડાં, ઘાસ અથવા ઈંટોના ઢગલામાં હાથ નાખતા પહેલાં લાકડી વડે તપાસ કરવી જોઈએ.

તેમણે જણાવ્યું કે અંધારા ખૂણામાં હાથ કે પગ મૂકતાં પહેલાં પૂરતું ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં ઉંદરોનું પ્રમાણ ઓછું રાખવું પણ જરૂરી છે, કારણ કે ઉંદરોની હાજરીને કારણે સાપ રહેણાંક વિસ્તાર તરફ આકર્ષાય છે.

આ પણ વાંચો: 90 દિવસ સુધી ચા ન પીવો તો શરીરમાં શું થાય? : જાણો નિષ્ણાતો શું કહે છે?

સાપ દેખાય તો સર્પમિત્ર અથવા વન વિભાગનો સંપર્ક કરો

તબીબોએ લોકોને અપીલ કરી છે કે જો ઘરમાં અથવા આસપાસ સાપ દેખાય તો તેને મારવાનો અથવા પકડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેના બદલે પ્રશિક્ષિત સર્પમિત્ર અથવા વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ, જેથી સાપને સુરક્ષિત રીતે પકડીને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવે. બાળકોને પણ સાપથી દૂર રહેવાની અને કોઈપણ સાપને ચેડાં કે પકડવાનો પ્રયાસ ન કરવાની સમજ આપવી જરૂરી છે. ચોમાસા દરમિયાન જાગૃતિ, સાવચેતી અને સમયસર સારવાર જ સર્પદંશ સામેનું સૌથી અસરકારક રક્ષણ હોવાનું તબીબોએ જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now