Home Utilities Nas Guidelines 2026 Ambulance Service India Emergency Response Time

હવે 20 મિનિટમાં એમ્બ્યુલન્સ નહીં પહોંચે તો થશે કાર્યવાહી! : સરકારે જાહેર કરી NAS 2026 ગાઇડલાઇન, જાણો નવા નિયમો

NAS Guidelines 2026
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jun 30, 2026, 11:56 AM IST

NAS Guidelines 2026: મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં સમયસર સારવાર મળવી જીવન બચાવવા માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણી વખત માત્ર થોડા મિનિટના વિલંબને કારણે દર્દીની સ્થિતિ ગંભીર બની જતી હોય છે. આવી સ્થિતિમાં દેશભરમાં ઇમરજન્સી આરોગ્ય સેવાઓને વધુ ઝડપી, સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા કેન્દ્ર સરકારે પ્રથમ વખત નેશનલ એમ્બ્યુલન્સ સર્વિસ (NAS) ઓપરેશનલ ગાઇડલાઇન 2026 જાહેર કરી છે. નવી ગાઇડલાઇનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિકને સમયસર એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવાનો, હોસ્પિટલ પહોંચતા પહેલાં જ દર્દીને પ્રાથમિક સારવાર પૂરી પાડવાનો અને સમગ્ર દેશમાં એમ્બ્યુલન્સ સેવાની ગુણવત્તાને એકસમાન ધોરણો પર લાવવાનો છે. સરકારનો વિશ્વાસ છે કે આ નવી વ્યવસ્થા ઇમરજન્સી મેડિકલ સેવાઓમાં મોટો પરિવર્તન લાવશે.

ઇમરજન્સી કોલ બાદ 20 મિનિટમાં પહોંચાડવાનું લક્ષ્ય

નવી NAS ગાઇડલાઇન હેઠળ પ્રથમ વખત દેશભરમાં એમ્બ્યુલન્સ સેવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે ઇમરજન્સી કોલ મળ્યા બાદ સરેરાશ 20 મિનિટની અંદર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે તેવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કંટ્રોલ રૂમને સૂચના આપવામાં આવી છે કે ઇમરજન્સી કોલ પ્રાપ્ત થયાના માત્ર ત્રણ મિનિટની અંદર એમ્બ્યુલન્સ રવાના કરવી ફરજિયાત રહેશે. જો આ સમયમર્યાદાનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત એજન્સી સામે કાર્યવાહી અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

હવે કોલ સેન્ટર માટે પણ કડક નિયમો

સરકારે માત્ર એમ્બ્યુલન્સ સેવા જ નહીં પરંતુ કોલ સેન્ટરની કામગીરી માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી વ્યવસ્થા મુજબ 95 ટકા ઇમરજન્સી કોલ 20 સેકન્ડની અંદર સ્વીકારવા પડશે. જો કોઈ કારણસર કોલ ચૂકી જાય તો કોલ સેન્ટર તરફથી સંબંધિત વ્યક્તિને ફરી સંપર્ક કરીને મદદ પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવી પડશે. આથી લોકોનો કિંમતી સમય બચશે અને તેમને વારંવાર ફોન કરવાની જરૂર નહીં પડે.

આ પણ વાંચો: સરકારની યોજનાઓની સાચી માહિતી મેળવવાનો સૌથી સરળ રસ્તો કયો? : જાણો અધિકૃત હેન્ડલ્સ કેમ બન્યા છે લાખો લોકોની પ્રથમ પસંદગી

દરેક એમ્બ્યુલન્સમાં રહેશે પ્રશિક્ષિત મેડિકલ સ્ટાફ

નવી ગાઇડલાઇન હેઠળ હવે દરેક એમ્બ્યુલન્સમાં માત્ર ડ્રાઇવર નહીં પરંતુ પ્રશિક્ષિત ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) પણ ફરજ પર રહેશે. આ ટેક્નિશિયન દર્દીને હોસ્પિટલ પહોંચતા પહેલાં જરૂરી પ્રાથમિક સારવાર આપી શકશે. અકસ્માત, હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા અન્ય ગંભીર તબીબી પરિસ્થિતિમાં દર્દીની સ્થિતિ સ્થિર રાખવામાં આ વ્યવસ્થા અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.

કંટ્રોલ રૂમમાં રહેશે ડૉક્ટરોની ટીમ

નવી NAS ગાઇડલાઇનમાં એક મહત્વપૂર્ણ ફેરફાર તરીકે હવે કંટ્રોલ રૂમમાં ડૉક્ટરોની પણ નિમણૂક કરવામાં આવશે. જ્યારે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચશે ત્યારે જરૂરી હોય ત્યારે કંટ્રોલ રૂમમાં હાજર ડૉક્ટર ફોન દ્વારા EMTને માર્ગદર્શન આપશે અને દર્દીની હાલત મુજબ સારવાર અંગે સૂચનાઓ આપશે. આથી હોસ્પિટલ પહોંચતા પહેલાં જ દર્દીને વધુ સારી તબીબી સહાય મળી શકશે.

GPSથી થશે દરેક એમ્બ્યુલન્સની રિયલ-ટાઇમ મોનિટરિંગ

નવી વ્યવસ્થા હેઠળ તમામ એમ્બ્યુલન્સમાં GPS સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવશે. તેની મદદથી કંટ્રોલ રૂમ દરેક એમ્બ્યુલન્સની રિયલ-ટાઇમ લોકેશન પર નજર રાખી શકશે. જ્યાંથી ઇમરજન્સી કોલ આવશે ત્યાં સૌથી નજીકની એમ્બ્યુલન્સને તાત્કાલિક મોકલી શકાશે. આથી દર્દીને ઝડપથી મદદ પહોંચાડવી સરળ બનશે અને સેવા વધુ કાર્યક્ષમ બની શકશે.

ગુણવત્તા ચકાસણી બાદ જ મળશે મંજૂરી

કેન્દ્ર સરકારે એમ્બ્યુલન્સ સેવાની ગુણવત્તા જાળવવા માટે પણ કડક નિયમો અમલમાં મૂક્યા છે. હવે કોઈપણ ખાનગી એમ્બ્યુલન્સને સેવા સાથે જોડતા પહેલાં જિલ્લા સ્તરની સમિતિ દ્વારા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. વાહનમાં જરૂરી સાધનો, મેડિકલ સુવિધાઓ અને નિર્ધારિત ધોરણોનું પાલન થતું હશે ત્યારે જ તેને કામગીરી માટે મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણયથી અપૂરતી સુવિધાઓ ધરાવતી અને ધોરણો મુજબ ન ચાલતી એમ્બ્યુલન્સ સેવાઓ પર નિયંત્રણ લાવી શકાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આજથી mAadhaar એપ બંધ! : હવે આ નવી એપમાં મળશે તમામ સુવિધાઓ, જાણો કેવી રીતે કરવી ડાઉનલોડ

ભવિષ્યમાં 112 ઇમરજન્સી સિસ્ટમ સાથે જોડાશે સેવા

સરકારની યોજના મુજબ આગામી સમયમાં એમ્બ્યુલન્સ સેવાઓને દેશના એકીકૃત 112 ઇમરજન્સી નંબર સાથે પણ જોડવામાં આવશે. જેથી પોલીસ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય સેવાઓ સહિત તમામ પ્રકારની તાત્કાલિક મદદ માટે નાગરિકોને એક જ નંબર પર સંપર્ક કરવાની સુવિધા મળી શકે. આ નવી ગાઇડલાઇનને આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવી રહી છે, જે દેશની ઇમરજન્સી મેડિકલ સેવાઓને વધુ ઝડપી, આધુનિક અને વિશ્વસનીય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now