Home Tech/Gadgets Gujarat Government Official Social Media Handles Social Media Day 2026

સરકારની યોજનાઓની સાચી માહિતી મેળવવાનો સૌથી સરળ રસ્તો કયો? : જાણો અધિકૃત હેન્ડલ્સ કેમ બન્યા છે લાખો લોકોની પ્રથમ પસંદગી

Social Media Day
Image Credit: OBS Bureau
Published by: Aryan Shah
Last Updated: Jun 30, 2026, 11:22 AM IST

Social Media Day : દર વર્ષે 30 જૂને વિશ્વભરમાં સોશિયલ મીડિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ માત્ર ડિજિટલ સંવાદના વધતા વ્યાપને ઉજાગર કરતો દિવસ નથી, પરંતુ આધુનિક શાસન વ્યવસ્થામાં સોશિયલ મીડિયાની વધતી ભૂમિકાને પણ પ્રતિબિંબિત કરે છે. એક સમય એવો હતો જ્યારે સરકારી માહિતી મેળવવા માટે અખબારો, પ્રેસનોટ અથવા સરકારી કચેરીઓનો સહારો લેવો પડતો હતો, પરંતુ આજે સોશિયલ મીડિયા સરકાર અને નાગરિકો વચ્ચે સીધો, ઝડપી અને પારદર્શક સંવાદ સ્થાપિત કરતું મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. ગુજરાત સરકારે પણ સમયની માંગને સમજી સોશિયલ મીડિયાને જનસંપર્ક અને લોકકેન્દ્રિત વહીવટના અસરકારક સાધન તરીકે અપનાવ્યું છે. સરકારની વિવિધ યોજનાઓ, વિકાસલક્ષી પહેલ, નીતિગત નિર્ણયો અને જાહેર હિતની માહિતી હવે લાખો નાગરિકો સુધી ત્વરિત રીતે પહોંચાડવામાં આવી રહી છે. પરિણામે માહિતીના પ્રસારણમાં ઝડપ તો આવી જ છે, સાથે સાથે નાગરિકોમાં જાગૃતિ અને ભાગીદારી પણ વધી રહી છે.

વર્ષ 2014થી સોશિયલ મીડિયા સંવાદને મળ્યો સંસ્થાગત આધાર

ગુજરાત સરકારે સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને ખૂબ વહેલી તકે ઓળખી લીધો હતો. વર્ષ 2014માં માહિતી અને પ્રસારણ વિભાગની માહિતી નિયામકની કચેરી હેઠળ સોશિયલ મીડિયા શાખાની સ્થાપના કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ સરકારની કામગીરીને વધુ પારદર્શક બનાવવાનો અને નાગરિકો સુધી અધિકૃત માહિતી ઝડપથી પહોંચાડવાનો હતો. આ સોશિયલ મીડિયા શાખા આજે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ મારફતે રાજ્ય સરકારની સિદ્ધિઓ, જનકલ્યાણકારી યોજનાઓ, અભિયાનો અને વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરે છે. ટ્વિટર (X), ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, વોટ્સએપ, ટેલિગ્રામ, ડેઈલી હન્ટ, પબ્લિક એપ અને લિન્ક્ડઈન જેવા કુલ નવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા સરકાર સતત નાગરિકો સાથે જોડાયેલી રહે છે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ-નિગમો અને જિલ્લા માહિતી કચેરીઓના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ નિયમિત રીતે માહિતીનું પ્રસારણ કરે છે. તેમાં વિવિધ સરકારી યોજનાઓ, જાહેર હિતની સૂચનાઓ, ભરતી સંબંધિત માહિતી, વિકાસ કાર્યોની પ્રગતિ તેમજ વિવિધ જનજાગૃતિ અભિયાનોનો સમાવેશ થાય છે.

આ પણ ખાસ વાંચો : માત્ર રૂ.19,999માં OnePlusનો નવો ધમાકો! : 8000mAh બેટરી અને AI ફીચર્સ સાથે હવે OnePlus N6માં મળશે પાવરફૂલ પ્રોસેસર

અધિકૃત માહિતીનો વિશ્વસનીય સ્ત્રોત

ડિજિટલ યુગમાં માહિતીની ઉપલબ્ધતા વધી છે, પરંતુ તેની સાથે ખોટી માહિતી અને અફવાઓનું પ્રમાણ પણ વધ્યું છે. આવી સ્થિતિમાં સરકારના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ વિશ્વસનીય માહિતીના મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે ઉભરી આવ્યા છે. નવી યોજનાઓની જાહેરાત, નીતિગત નિર્ણયો, જાહેર સેવાઓમાં થતા ફેરફારો અથવા આપત્તિ અને ઇમરજન્સીની સ્થિતિમાં માર્ગદર્શિકા જેવી માહિતી સરકારના સત્તાવાર પ્લેટફોર્મ્સ મારફતે ત્વરિત રીતે પ્રસારિત કરવામાં આવે છે. આ કારણે નાગરિકોને પ્રમાણભૂત અને ચકાસાયેલ માહિતી સરળતાથી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને વરસાદી મોસમ, આરોગ્ય સંબંધી જનજાગૃતિ અભિયાનો, કુદરતી આપત્તિ દરમિયાન રાહત અને બચાવ કામગીરી અંગેની માહિતી લોકો સુધી ઝડપથી પહોંચાડવામાં સોશિયલ મીડિયાએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

માહિતીથી આગળ વધીને જનભાગીદારીનું માધ્યમ

ગુજરાત સરકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માત્ર માહિતી વહેંચવાના સાધન તરીકે જ કાર્યરત નથી, પરંતુ નાગરિકોને શાસન પ્રક્રિયામાં જોડવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. વિવિધ ઓનલાઈન અભિયાનો, ક્વિઝ, જનજાગૃતિ કાર્યક્રમો, સ્પર્ધાઓ અને પ્રતિભાવ અભિયાનો દ્વારા લોકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચે દ્વિમાર્ગી સંવાદની વ્યવસ્થા ઊભી થઈ છે. લોકો પોતાની સૂચનાઓ, પ્રતિસાદ અને પ્રશ્નો રજૂ કરી શકે છે, જેના પરિણામે વધુ જવાબદાર અને સંવેદનશીલ વહીવટી વ્યવસ્થા વિકસિત થઈ રહી છે.

આ પણ ખાસ વાંચો : 3 જુલાઈએ iQOO લોન્ચ કરશે Z11i સ્માર્ટફોન : નવી ડિઝાઇન, લાંબી બેટરી લાઇફ અને ફ્રી TWS ઇયરબડ્સ ઓફરે બનાવ્યો ચર્ચાનો વિષય

વિકાસયાત્રાને જનજન સુધી પહોંચાડતું ડિજિટલ પ્લેટફોર્મ

રાજ્યના માળખાકીય વિકાસ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ, યુવા વિકાસ અને ઉદ્યોગ ક્ષેત્રે હાથ ધરાયેલી પહેલોની માહિતી સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક રીતે પ્રસારિત થાય છે. વિકાસ કાર્યોના ફોટોગ્રાફ્સ, વિડિયો અને મેદાન સ્તરની કામગીરીના અહેવાલો લોકો સુધી સીધા પહોંચતા હોવાથી સરકારના કાર્યપ્રવાહ અંગે વધુ પારદર્શિતા જોવા મળે છે. તાજેતરના વર્ષોમાં ડિજિટલ કન્ટેન્ટના સ્વરૂપમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. હવે ઇન્ફોગ્રાફિક્સ, ટૂંકા વીડિયો, રીલ્સ, યુટ્યૂબ શોર્ટ્સ અને દ્રશ્ય આધારિત માહિતી પ્રસ્તુતિનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારનું કન્ટેન્ટ ખાસ કરીને યુવા વર્ગ સુધી સરળ અને અસરકારક રીતે પહોંચે છે. આધુનિક સંચાર પદ્ધતિઓના ઉપયોગથી સરકારી માહિતી વધુ સમજાય તેવી, રસપ્રદ અને લોકોના દૈનિક જીવન સાથે જોડાયેલી બની રહી છે. પરિણામે સરકારની યોજનાઓ અંગે જાગૃતિ વધવાની સાથે તેનો લાભાર્થી વર્ગ પણ વિસ્તરી રહ્યો છે.

પારદર્શક અને જવાબદાર વહીવટનો મજબૂત આધારસ્તંભ

સોશિયલ મીડિયા ડેના અવસરે એટલું નિશ્ચિતપણે કહી શકાય કે ડિજિટલ કમ્યુનિકેશનના આ યુગમાં સરકારના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ માત્ર માહિતી પ્રસારણના સાધન નથી રહ્યા, પરંતુ પારદર્શક, જવાબદાર અને જનકેન્દ્રિત શાસન વ્યવસ્થાના મજબૂત આધારસ્તંભ બની ચૂક્યા છે. ગુજરાત સરકાર સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાની વધુ નજીક પહોંચી રહી છે અને "માહિતીથી સશક્ત નાગરિક"ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આવનારા સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ્સનો વધતો ઉપયોગ સરકાર અને નાગરિકો વચ્ચે વિશ્વાસ, સંવાદ અને સહભાગિતાને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now