Home Gujarat 100 Contract Employees Of Fire Brigade In Vadodara On Strike Protest Registered At Navlakhi Maidan

પગાર અને સુરક્ષાના મુદ્દે ફાયરના જવાનો લડાયક મૂડમાં : વડોદરામાં ફાયર બ્રિગેડના 100થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર, નવલખી મેદાનમાં નોંધાવ્યો વિરોધ

પગાર અને સુરક્ષાના મુદ્દે ફાયરના જવાનો લડાયક મૂડમાં
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 02:00 PM IST

Vadodara News: વડોદરા શહેરમાં ઈમરજન્સી સેવાઓ પૂરી પાડતા વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના 100થી વધુ કોન્ટ્રાક્ટ ધરાવતા ડ્રાઈવર અને કંડક્ટરોએ આજે પોતાની પડતર માંગણીઓને લઈને કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. સમયસર પગાર ન મળવો અને સેફ્ટી સાધનોના અભાવે આ કર્મચારીઓએ નવલખી મેદાન ખાતે એકઠા થઈ એજન્સી અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પગારમાં વિલંબ અને સુવિધાઓનો અભાવ

'અલ્ટ્રા મોર્ડન એજન્સી' હેઠળ ફરજ બજાવતા આ કર્મચારીઓનો મુખ્ય આક્ષેપ છે કે નિયમ મુજબ મહિનાની 7 તારીખે મળવાપાત્ર પગાર ક્યારેય સમયસર મળતો નથી. વડીવાડી ફાયર સ્ટેશનના કર્મચારી હેમેન્દ્ર શિંદેએ જણાવ્યું હતું કે, "અમે લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી ફેબ્રુઆરી મહિનાનો પગાર થયો નથી. અમને PF, ESI કે રજાઓનો લાભ મળતો નથી. 15,000 જેવા મર્યાદિત પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ છે, ઉપરથી પગાર મોડો આવતા બાળકોની સ્કૂલ ફી અને ઘરના ખર્ચનું સંચાલન કરવું અશક્ય બની જાય છે."

સેફ્ટી વગર જોખમી કામગીરી

ફાયર સર્વિસ જેવી જોખમી કામગીરીમાં જોડાયેલા આ જવાનોએ સુરક્ષાના સાધનો અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અન્ય કર્મચારી ચેતન પરમારે આક્ષેપ કર્યો હતો કે, "2022થી અત્યાર સુધી માત્ર એક જ વાર યુનિફોર્મ અને બૂટ આપવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે હંમેશા ફ્રન્ટ લાઈન પર રહીને કામ કરવાનું હોય છે, છતાં અમને પૂરતા સેફ્ટી ગિયર્સ આપવામાં આવતા નથી. જો અમારી પાસે પૂરતી સુરક્ષા જ ન હોય તો અમે લોકોના જીવ કેવી રીતે બચાવી શકીએ?"

તંત્રની ઉદાસીનતા સામે રોષ

કર્મચારીઓના જણાવ્યા અનુસાર, વારંવાર સુપરવાઈઝર અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં માત્ર 'બે દિવસમાં પગાર થઈ જશે' તેવા ખોટા આશ્વાસનો આપવામાં આવે છે. અઠવાડિયાથી વધુ સમય વીતી જવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે કર્મચારીઓએ ફરજ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.

હાલમાં 100 જેટલા ડ્રાઈવર-કંડક્ટરો હડતાળ પર ઉતરતા ફાયર બ્રિગેડની કામગીરી પર તેની માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. કર્મચારીઓની માગ છે કે જ્યાં સુધી પગાર અને સેફ્ટીના સાધનોનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી તેઓ મક્કમ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now