Home Gujarat Vadodara Crime Land Scam Manjalpur Police

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ : મૃત ભાગીદારના નામે નકલી પાવર ઓફ એટર્ની બનાવી બારોબાર વેચી કરોડોની જમીન!

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 11:18 AM IST

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિક સાથે જમીન બાબતે કરોડોની છેતરપિંડી થઈ હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૃત ભાગીદારના નામે ખોટો પાવર ઓફ એટર્ની અને જીવિત ભાગીદારોની નકલી સહીઓ કરી વડસરની કરોડોની જમીન વેચી મારવાના આરોપસર માંજલપુર પોલીસે બે શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શું છે સમગ્ર ઘટના?

ફરિયાદી રમેશભાઈ મણીલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 1992માં તેમણે પોતાના મિત્રો હર્ષદભાઈ ગોરડીયા અને પ્રમોદભાઈ ગોરડીયા સાથે મળીને વડસર ગામની સીમમાં ખેતીની જમીન કાયદેસર રીતે ખરીદી હતી. આ જમીનના રેવન્યુ રેકોર્ડમાં ત્રણેય ભાગીદારોના નામ બોલતા હતા. જોકે, વર્ષ 2024 માં ભાગીદાર હર્ષદભાઈનું અવસાન થતા જ્યારે વારસાઈની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું.

કઈ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?

તપાસમાં ખુલાસો થયો કે અમદાવાદના હસમુખભાઈ શંકરભાઈ પટેલ અને ભરૂચના નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પરમારે મેળાપીપણું કરીને જમીનના કૂટ દસ્તાવેજો તૈયાર કર્યા હતા.

આ રીતે કરી છેતરપિંડી

મૃત્યુ પામેલા ભાગીદાર હર્ષદભાઈના નામે ખોટો પાવર ઓફ એટર્ની ઊભો કરાયો. ત્યાર બાદ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં અસલી માલિકોના બદલે અન્ય વ્યક્તિઓના ફોટા ચોંટાડવામાં આવ્યા. જીવિત ભાગીદારોની નકલી સહીઓ કરી અને નકલી આધારકાર્ડનો ઉપયોગ કરી જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી લેવાયો હતો. જેમાં આશરે રૂ. 1.22 કરોડની કિંમતની જમીન વેચાઈ હોવાનું અને તેની ચુકવણી ચેક દ્વારા થઈ હોવાનું ખોટું દર્શાવી અધિકારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

પોલીસ કાર્યવાહી

પોતાની જ જમીન બારોબાર વેચાઈ ગઈ હોવાનું જાણી રમેશભાઈએ તાત્કાલિક માંજલપુર પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને કૂટ દસ્તાવેજો બનાવવા અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ કે સરકારી કચેરીના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now