ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના સંગઠનમાં નવી નિમણૂકો બાદ હવે કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે. પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાની અધ્યક્ષતામાં આજે પ્લાનિંગની પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં સરકારની ખેડૂતલક્ષી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને સંગઠનને ગ્રામ્ય સ્તરે વધુ મજબૂત બનાવવાનો છે. આ બેઠકમાં ભાજપના સંગઠન પર્વ અને આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જેમાં પ્રદેશના પદાધિકારીઓ સહિત વિવિધ જિલ્લા અને મહાનગરોના પ્રમુખો અને મહામંત્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જન-જન સુધી પહોંચશે કિસાન મોરચો: હિરેન હીરપરા
બેઠકને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાએ જણાવ્યું હતું કે, "ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની નવનિયુક્ત ટીમની આ પ્રથમ બેઠક આજ રોજ મળવા જઈ રહી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે જ્યારે કિસાન મોરચો એ આગામી કાર્યક્રમો લઈને ગામડાઓ સુધી જવાનો છે ત્યારે, આજે આ પ્લાનિંગની આ પ્રથમ બેઠક છે. આજની આ બેઠકની અંદર પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા અને મહાનગરના પ્રમુખ અને મહામંત્રીઓની આ સંયુક્ત બેઠક છે, જેમાં કિસાન મોરચાના આગામી કાર્યક્રમો એ નક્કી થશે અને એ કાર્યક્રમોના માધ્યમથી અમે જન-જન સુધી જવાના છીએ.
વિકાસના મંત્ર સાથે છેવાડાના ખેડૂત સુધી પહોંચવાનો લક્ષ્યાંક
દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને જેમનું સફળ નેતૃત્વ રહ્યું છે એવા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સહિત ભારતીય જનતા પાર્ટીની દેશની સરકાર અને રાજ્યની સરકાર એ છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને જે વિકાસથી વંચિત લોકો છે એમના સુધી વિકાસ પહોંચાડવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે.
ખેતી, ખેડૂત અને ગામડું એ ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં વસે છે. એવા ખેડૂતો સુધી, ગામડાઓ સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો આગામી સમયની અંદર અનેકવિધ કાર્યક્રમો લઈ અને જન-જન સુધી પહોંચવા માટેનો એ અમારો પ્રયાસ છે અને પ્રયાસના ભાગરૂપે આજે કિસાન મોરચાની એ પ્રથમ બેઠક મળી રહી છે."
આગામી કાર્યક્રમોનું આયોજન અને સંકલ્પ
બેઠકના અંતે, ઉપસ્થિત તમામ જિલ્લા અને મહાનગરના હોદ્દેદારોને આગામી કામગીરી માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ પદાધિકારીઓએ એકસૂરે કિસાન મોરચાની કામગીરીને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે સહયોગ આપવાનો સંકલ્પ કર્યો હતો. આગામી દિવસોમાં કિસાન મોરચો ગુજરાતના પ્રત્યેક તાલુકા અને ગામડાઓમાં પ્રવાસ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ સ્થાપિત કરશે.




















