Home Gujarat Surat Varacha Crime Mata Castrated Her 2 Year Old Daughter

શું રડવાની સજા મોત? : સુરતમાં કળિયુગી માતાએ 2 વર્ષીય દીકરીનું ઢીમ ઢાળ્યુ!

શું રડવાની સજા મોત?
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 11:50 AM IST

સુરતના વરાછા વિસ્તારમાં હૃદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં સગી માતાએ પોતાની જ બે વર્ષની દીકરીને માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આક્ષેપ છે. પ્રાથમિક માહિતી અનુસાર, વર્ષા સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલા છેલ્લા કેટલાક સમયથી લિવ-ઇન સંબંધમાં રહી રહી હતી. તેની ચાર દીકરીઓમાંથી ત્રીજા નંબરની નાનકડી બાળકી વારંવાર રડતી અને તોફાન કરતી હોવાથી માતા કંટાળી ગઈ હતી.
ઘટનાના દિવસે પણ બાળકીના વર્તનથી ઉશ્કેરાયેલી માતાએ ગુસ્સામાં આવીને નિયંત્રણ ગુમાવી દીધું અને વેલણ તથા અન્ય ઘરગથ્થુ વસ્તુઓ વડે બાળકીને માર માર્યો. ઉપરાંત, તેને થપ્પડ પણ મારી હોવાનું સામે આવ્યું છે. આ મારને કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને થોડા સમય બાદ બેભાન થઈ પડી હતી. તેની સ્થિતિ બગડતા માતા ગભરાઈ ગઈ અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી.

હોસ્પિટલ ખાતે તબીબોએ તપાસ કરતા બાળકીનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં થયેલા પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે બ્રેઈન હેમરેજ થયું અને તેનું મોત થયું. સાથે જ, બાળકના શરીર પર જૂના ઈજાના નિશાન પણ જોવા મળ્યા, જે બતાવે છે કે તેને અગાઉ પણ માર મારવામાં આવતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માતા છેલ્લા કેટલાક દિવસોથી બાળકી પર ગુસ્સો કાઢતી હતી અને તેને વારંવાર સજા આપતી હતી. હાલ પોલીસે માતાની પૂછપરછ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ બનાવે એક મહત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે કે બાળકોના ઉછેરમાં ધીરજ અને સમજણ કેટલી જરૂરી છે. નાનકડી ભૂલ કે તોફાન માટે કરાતી અતિશય સજા કેટલી ભયાનક સાબિત થઈ શકે છે, તેનો આ દુઃખદ બનાવ જીવતો દાખલો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now