દેશમાં વધતા ઊર્જા સંકટ અને ગેસ સપ્લાય પર વધી રહેલા દબાણ વચ્ચે કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ વપરાશ અંગે મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવા નિયમો મુજબ હવે એક જ ઘરમાં સબસિડીવાળા ઘરેલું LPG સિલિન્ડર અને PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) બંને કનેક્શન સાથે રાખવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ દિશામાં કડક અમલ શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે.
સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સબસિડીવાળા LPG સિલિન્ડરોનો દુરુપયોગ, ડુપ્લિકેટ કનેક્શન અને કાળાબજારી રોકવાનું હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકાર હવે LPG અને PNG ગ્રાહકોના ડેટાબેઝને જોડીને એવા ઘરોની ઓળખ કરી રહી છે જ્યાં બંને કનેક્શન સક્રિય છે.
PNG હોય તો LPG રિફિલ બંધ થઈ શકે
નવા નિયમો હેઠળ, જે ઘરોમાં પહેલેથી PNG કનેક્શન કાર્યરત છે, ત્યાં ઘરેલું LPG સિલિન્ડર માટે નવી બુકિંગ અથવા રિફિલ પર પ્રતિબંધ મૂકાઈ શકે છે. રિપોર્ટ મુજબ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એવા ગ્રાહકોને નવી LPG સેવા અથવા સબસિડીવાળા રિફિલ ન આપવા સૂચના આપવામાં આવી છે.
કેટલાક વિસ્તારોમાં 90 દિવસની ટ્રાન્ઝિશન વિન્ડો આપવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે, જેથી લોકો PNG પર સંપૂર્ણપણે સ્થળાંતર કરી શકે.
સરકારે કેમ લીધો આ નિર્ણય?
ભારત હાલ પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશી ઈંધણ આયાત દ્વારા પૂરો કરે છે. દેશમાં લગભગ 60 ટકા LPG અને મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ગેસ આયાત કરવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડેલા પ્રભાવને કારણે સરકાર ઊર્જા વ્યવસ્થાપન વધુ કડક બનાવી રહી છે.
સરકારનું માનવું છે કે જ્યાં PNG ઉપલબ્ધ છે ત્યાં LPG પર નિર્ભરતા ઘટાડવાથી આયાતી દબાણ ઓછું થશે અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં સિલિન્ડર ઉપલબ્ધતા જાળવી શકાયશે.
નર્મદા જિલ્લાએ SSC પરિણામમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી રચ્યો ઈતિહાસ: જાણો જિલ્લાનું કેટલા ટકા આવ્યું પરિણામ
અત્યાર સુધી હજારો લોકોએ LPG સરેન્ડર કર્યા
માહિતી અનુસાર, PNG ઉપલબ્ધ વિસ્તારોમાં હજારો ગ્રાહકો સ્વેચ્છાએ LPG કનેક્શન સરેન્ડર કરી ચૂક્યા છે. કેટલાક અહેવાલો મુજબ અત્યાર સુધીમાં હજારો PNG યુઝર્સે ઘરેલું LPG કનેક્શન બંધ કરાવ્યા છે.
સરકાર અને ગેસ કંપનીઓ હવે ગ્રાહકોને e-KYC, આધાર લિંકિંગ અને મોબાઈલ OTP આધારિત ડિલિવરી વેરિફિકેશન માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે, જેથી ડુપ્લિકેટ અને નકલી કનેક્શન પર નિયંત્રણ લાવી શકાય.
નિયમનો ભંગ કરશો તો શું થશે?
સરકારી સૂચનાઓ મુજબ જો કોઈ પરિવાર PNG હોવા છતાં ગેરકાયદેસર રીતે ઘરેલું LPG કનેક્શન ચાલુ રાખે છે, તો તેના સામે કાર્યવાહી થઈ શકે છે. તેમાં સબસિડી બંધ થવી, રિફિલ અટકાવવું અથવા કનેક્શન રદ્દ કરવાની કાર્યવાહીનો સમાવેશ થઈ શકે છે. જોકે, વિવિધ શહેરોમાં અમલની પ્રક્રિયા તબક્કાવાર રીતે ચાલી રહી છે.
IPL 2026 ફાઈનલ બેંગલુરુમાં નહીં અમદાવાદમાં!: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનશે મેગા મુકાબલાનું યજમાન, જાણો કેમ લેવાયો આ નિર્ણય?
આજનો LPG સિલિન્ડર ભાવ
હાલ દેશમાં ઘરેલું ઉપયોગ માટેનો 14.2 કિલોનો LPG સિલિન્ડર અનેક શહેરોમાં અંદાજે રૂ.900 થી રૂ.950 વચ્ચે વેચાઈ રહ્યો છે. શહેર અને રાજ્ય પ્રમાણે કિંમતોમાં થોડો ફેરફાર રહે છે.
ગ્રાહકો શું કરે?
જો તમારા વિસ્તારમાં PNG સેવા ઉપલબ્ધ છે અને તમારા ઘરે પહેલેથી PNG કનેક્શન કાર્યરત છે, તો સ્થાનિક ગેસ એજન્સી અથવા PNG પ્રોવાઈડર સાથે સંપર્ક કરીને નવા નિયમોની સ્થિતિ જાણી લેવી યોગ્ય રહેશે. સાથે જ આધાર e-KYC અને મોબાઈલ નંબર અપડેટ રાખવા પણ સલાહ આપવામાં આવી રહી છે.





