Home Gujarat Porbandars Development On Chief Minister Bhupendra Patel Gifts Development Works Worth Crore

જાણો વિકાસ પ્રોજેક્ટ્સની એક ઝલક : પોરબંદરના વિકાસને નવી ઊંચાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડાના વિકાસકામોની ભેટ

જાણો વિકાસ પ્રોજેક્ટ્સની એક ઝલક
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 11:54 AM IST

Porbandar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ 2047' ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર મક્કમ ડગલાં માંડી રહી છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લા માટે રૂ. ૪૧૩.૮૧ કરોડના ૪૬ જેટલા વિવિધ વિકાસલક્ષી કામોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યું હતું.

વિકાસકામોની એક ઝલક

૧૯ માર્ચના રોજ પોરબંદરના તાજાવાલા હોલ ખાતે આયોજિત આ ગરિમામય કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાઈને જિલ્લાના નાગરિકોને કરોડોના પ્રોજેક્ટ્સ અર્પણ કર્યા હતા. રૂ. ૩૨૦.૫૯ કરોડના ખર્ચે ૧૭ નવા કામોનો પ્રારંભ. રૂ. ૯૩.૨૨ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૨૯ કામોનું જનતા માટે સમર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મજબૂત ફાઇનાન્સ મેનેજમેન્ટને કારણે વિકાસના કામો માટે સરકાર પાસે નાણાની કોઈ કમી નથી. પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે રૂ. ૨૯૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.

પર્યાવરણ અને પ્રવાસન: 'સર્વોદય વન' અને 'મોકર સાગર'

પોરબંદરને પર્યાવરણ અને ઇકો-ટુરિઝમ ક્ષેત્રે નવી ઓળખ આપવા માટે રૂ. 20 કરોડના ખર્ચે 'સર્વોદય વન' પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પ્રવાસન ક્ષેત્રે જિલ્લાની કાયાપલટ કરશે. આ ઉપરાંત 'મોકર સાગર વેટલેન્ડ' જેવા પ્રકલ્પો દ્વારા પ્રકૃતિના જતન સાથે વિકાસ સાધવાનો સરકારનો નિર્ધાર છે.

સાંસ્કૃતિક વિરાસતનું જતન: માધવપુરનો મેળો

મુખ્યમંત્રીશ્રીએ પોરબંદરની ભવ્ય વિરાસતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આગામી રામનવમીથી શરૂ થનારો માધવપુર ઘેડનો મેળો હવે રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મેળવી ચૂક્યો છે. આ મેળો પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતો 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો જીવંત સેતુ છે.

મુખ્ય આકર્ષણો અને ભવિષ્યનું આયોજન

  • શહેરી વિકાસ: સ્ટ્રીટ લાઈટ (રૂ. ૫૫ કરોડ), છાયા આઈકોનિક રોડ (રૂ. ૧૬ કરોડ) અને હેરિટેજ લાઈબ્રેરીનું રિસ્ટોરેશન (રૂ. ૫ કરોડ).

  • શિક્ષણ: યુવાનો માટે આગામી બજેટમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે 'રીજનલ સાયન્સ સેન્ટર' ની મંજૂરી.

  • કનેક્ટિવિટી: બરડા અને ઘેડ વિસ્તારના અંતરિયાળ રસ્તાઓ માટે કરોડો રૂપિયાના કામોને મંજૂરી.

  • ઉર્જા: RDSS યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રૂ. ૨૦ કરોડના ખર્ચે વીજ સુવિધાઓ સુદ્રઢ કરાશે.

મોડેલ જિલ્લો બનાવવાની નેમ

કાર્યક્રમમાં ઉપસ્થિત વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ પોરબંદરના બદલાતા કલેવર વિશે વાત કરી હતી. છેલ્લા 5 વર્ષમાં જિલ્લામાં 2100 કરોડના કામો કરવામાં આવ્યા છે. પોરબંદર હવે સોમનાથ અને દ્વારકાની વચ્ચે એક પ્રવાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ તરીકે ઉભરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સૌનું સ્વાગત કરી વહીવટી તંત્રની કટિબદ્ધતા દોહરાવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now