Home Gujarat Vadodara In A Woman Drunkenly Made A Fuss In Front Of The Police She Fell Asleep In The Middle Ofthe Road

"મોદી ભી આયેગા -યોગી ભી આયેગા" : વડોદરામાં મહિલાએ નશામાં પોલીસ સમક્ષ કર્યો લવારો; રસ્તા વચ્ચે સૂઈ જઈ મચાવ્યો હોબાળો

"મોદી ભી આયેગા -યોગી ભી આયેગા"
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 02:13 PM IST

Vadodara News: સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં ગત મોડી રાત્રે સયાજી હોસ્પિટલ પાસે એક મહિલાએ ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. નશાની હાલતમાં દેખાતી આ મહિલાએ પોલીસ સાથે ઝપાઝપી કરી જાહેર માર્ગ પર તમાશો કર્યો હતો અને બૂમો પાડતા કહ્યું હતું કે, "મોદી ભી આયેગા - યોગી ભી આયેગા!"

રિક્ષામાંથી ધક્કો મારતા રોડ પર હંગામો

મળતી વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશની વતની અને કેવડિયામાં રહેતી આ મહિલા તેના બોયફ્રેન્ડ સાથે રિક્ષામાં જઈ રહી હતી. વરણામા પોલીસ સ્ટેશનની હદમાં બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતા તેને રિક્ષામાંથી ધક્કો મારી નીચે ફેંકી દેવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ મહિલાએ સારવાર લેવાના બદલે રસ્તા પર ઉતરી ભારે હોબાળો મચાવ્યો હતો.

નશામાં પોલીસ સામે લવારો અને હાથાપાઈ

નશામાં ધૂત મહિલાએ મુખ્ય રોડ પર એસ.ટી. બસની આગળ સૂઈ જઈ ટ્રાફિક જામ કર્યો હતો. જ્યારે પોલીસની ટીમ તેને સમજાવવા પહોંચી, ત્યારે તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મહિલાએ પોલીસકર્મીઓ સામે લવારો કરતા કહ્યું, "મારા શરીરથી હાથ દૂર રાખજો, વરદીનો ઘમંડ ન બતાવશો. હું મારો જીવ આપી દઈશ, મોદી ભી આયેગા - યોગી ભી આયેગા!"

મહિલાએ મહિલા પોલીસકર્મીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી અને લગભગ એક કલાક સુધી પોલીસને દોડતી કરી હતી. પોલીસકર્મી કનુભાઈએ જણાવ્યું હતું કે, મહિલા નશામાં હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું અને તેણે આખો રસ્તો જામ કરી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી હતી.

પોલીસ કાર્યવાહી

રાવપુરા પોલીસની ટીમે લાંબી મથામણ અને સ્થાનિક લોકોની મદદથી મહિલાને કાબૂમાં લીધી હતી. મહિલાએ ૧૧૨ પર કોલ કરવા છતાં પોલીસ મોડી આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હાલમાં પોલીસે મહિલાની અટકાયત કરી તેને વધુ તપાસ માટે વરણામા પોલીસને સોંપી દીધી છે. આ ઘટનાને પગલે મોડી રાત્રે સયાજી હોસ્પિટલ પાસે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now