Home Gujarat Massive Fire Breaks Out In Two Storey Shop From Gaekwad Era Near Mandvi In Vadodara

60 લાખથી 1 કરોડના નુકસાનની આશંકા : વડોદરા શહેરના માંડવી પાસે ગાયકવાડ શાસનકાળની બે માળની દુકાનમાં ભીષણ આગ

60 લાખથી 1 કરોડના નુકસાનની આશંકા
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 02:03 PM IST

Vadodara News: વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભે જ આગ લાગવાનો સિલસિલો તેજ બન્યો છે. આજે શહેરના અતિ વ્યસ્ત એવા માંડવી વિસ્તારમાં આવેલી ગાયકવાડ શાસનકાળની બે મજલી લાકડાની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં તૈયાર કપડાંનો જંગી જથ્થો બળીને ખાખ થઈ જતાં અંદાજે 60 લાખથી એક કરોડ રૂપિયા સુધીનું માતબર નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રેડીમેડ ડ્રેસ મટીરીયલની દુકાન આગની લપેટમાં

માંડવી પાસે આવેલી ‘શાહ હસ્તીમલ આયદાનજી ટ્રેડિશનલ ડ્રેસ મટીરીયલ’ નામની રેડીમેડ ડ્રેસીસની દુકાનમાં આજે અચાનક આગ લાગી હતી. આ જૂના મકાનના નીચેના ભાગે દુકાન અને ઉપરના માળે ગોડાઉન આવેલું હતું. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના એમ.જી. રોડ પરના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. ઐતિહાસિક લાકડાનું મકાન હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને સમગ્ર બિલ્ડિંગ ધુમાડાના ગોટાથી ઘેરાઈ ગઈ હતી.

ફાયર બ્રિગેડની બે કલાકની ભારે જહેમત

બનાવની જાણ થતા જ પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સબ ફાયર ઓફિસર પ્રતાપ ડામોરના માર્ગદર્શન હેઠળ જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સાંકડા બજાર અને ટ્રાફિકની ગંભીરતાને જોતા પોલીસે એમ.જી. રોડ પર લોકોની અવરજવર બંધ કરી દીધી હતી. અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. સદનસીબે જે સમયે આગ લાગી ત્યારે મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ગોડાઉનમાં રહેલા કિંમતી કપડાં અને ડ્રેસ મટીરીયલનો જથ્થો સંપૂર્ણપણે નાશ પામ્યો છે. મકાન માલિકના જણાવ્યા મુજબ, નુકસાનનો આંકડો 60 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ઉનાળાની શરૂઆતમાં જ વડોદરાના હાર્દ સમાન વિસ્તારમાં બનેલી આ ઘટનાએ જૂના વારસા સમાન મકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો અને ઈલેક્ટ્રિક વાયરિંગની સુરક્ષા બાબતે ફરી એકવાર લાલબત્તી ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now