Home Gujarat Gujarat Weather Update Kutch Rajkot Jamnagar Amreli Storm Rain Damage 2026

ગુજરાતમાં અચાનક મોસમી પલટો : કચ્છમાં ટાવર ધરાશાયી, રાજકોટ-જામનગરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ

ગુજરાતમાં અચાનક મોસમી પલટો
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 01:00 PM IST

કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં અચાનક હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. કંડલા વિસ્તારમાં ભારે પવનના કારણે મોબાઇલ ટાવર ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે.

પૂર્વ અને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં પવનના જોરદાર ઝાપટાંથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
આ તરફ અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ નોંધાયો છે. વડીયા અને બગસરા પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જ્યારે મોટા મુંજયાસર ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ પરિસ્થિતિને કારણે ઘઉં અને ધાણા સહિતના તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
રાજકોટ શહેરમાં પણ બપોરે ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણ બદલાયું હતું. માત્ર 45 મિનિટમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો અને પવન સાથે બરફના કરાઓ પણ પડ્યા હતા, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

તે ઉપરાંત જામનગરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને કેટલીક જગ્યાએ સોલાર પેનલો ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે. તળાવની પાર વિસ્તારમાં સોલાર પેનલ નીચે પડતાં એક કાર ચાલકનો સદનસીબે બચાવ થયો હતો.

આ અચાનક મોસમી પલટાને કારણે રાજ્યભરમાં ચિંતા વ્યાપી છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ અને પવનની શક્યતા દર્શાવવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now