ગુજરાતના ભાવનગરમાં "સમુદ્રથી સમૃદ્ધિ" કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધતા તેમણે આત્મનિર્ભર ભારત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે એ પણ જાહેર કર્યું કે ભારતનો સાચો દુશ્મન કોણ છે. તેમણે આ દુશ્મનને સાથે મળીને હરાવવા વિશે પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું, "આજે, ભારત વિશ્વ ભાઈચારાની ભાવના સાથે આગળ વધી રહ્યું છે. વિશ્વમાં આપણો કોઈ મોટો દુશ્મન નથી."
''વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે...''
તેમણે વધુમાં કહ્યું, "સાચા અર્થમાં, જો આપણો કોઈ દુશ્મન છે, તો તે અન્ય દેશો પરની આપણી નિર્ભરતા છે. આ આપણો સૌથી મોટો દુશ્મન છે, અને આપણે ભારતના આ દુશ્મનને સામૂહિક રીતે હરાવવા જોઈએ." પીએમ મોદીએ કહ્યું "વિદેશી નિર્ભરતા જેટલી વધારે હશે, તેટલી દેશની નિષ્ફળતા વધુ હશે. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે, વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા દેશે આત્મનિર્ભર બનવું જોઈએ."
''કોંગ્રેસ સરકારની નીતિઓએ દેશના યુવાનોને ખૂબ નુકસાન પહોંચાડ્યું''
કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ''ભારતમાં ક્ષમતાની કોઈ કમી નથી, પરંતુ સ્વતંત્રતા પછી, કોંગ્રેસ પાર્ટીએ ભારતની દરેક શક્તિને અવગણી. તેથી, સ્વતંત્રતાના છ થી સાત દાયકા પછી પણ, ભારતને તે સફળતા મળી નથી જે તે મેળવવા લાયક હતી. જેના બે મુખ્ય કારણો છે, લાંબા સમય સુધી, કોંગ્રેસ સરકારે દેશને લાઇસન્સ-ક્વોટા રાજમાં ફસાવ્યો અને તેને વૈશ્વિક બજારથી અલગ રાખ્યો. કોંગ્રેસ સરકારની નીતિઓએ દેશના યુવાનોને ખૂબ નુકસાન પહોંચાડ્યું''.
''હવે મોટા જહાજોને માળખાગત સુવિધા તરીકે માન્યતા આપી''
PM મોદીએ ભાર મૂક્યો કે જો આપણે 2047 સુધીમાં વિકાસ કરવો હોય, તો ભારતે આત્મનિર્ભર બનવું પડશે. બીજો કોઈ વિકલ્પ નથી. 1.4 અબજ દેશવાસીઓ પાસે ફક્ત એક જ સંકલ્પ હોવો જોઈએ: ભલે તે ચિપ હોય કે જહાજ, આપણે તેનું ભારતમાં ઉત્પાદન કરવું જોઈએ. આ વિચારને ધ્યાનમાં રાખીને, ભારત આજે દરિયાઈ ક્ષેત્રમાં આગામી પેઢીના સુધારાઓ શરૂ કરી રહ્યું છે. દેશના દરિયાઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે હવે મોટા જહાજોને માળખાગત સુવિધા તરીકે માન્યતા આપી છે.