નવરાત્રિ મહોત્સવ : વડોદરાના અલ્કાપુરી ક્લબ ખાતે ગુરૂવારના રોજ ગુજરાતના સૌથી મોટાં ગણાતા યુનાઈટેડ વે નવરાત્રિ ગરબાના પાસ વિતરણ દરમિયાન ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. આ વર્ષે અમુક ખેલૈયાઓને કોઈ કારણસર કુરિયર દ્વારા પાસ મોકલાયા નહીં, જેના કારણે તેઓને રૂબરૂ પાસ લેવા બોલાવાયા હતા. જેના પગલે અંદાજે 4000થી વધુ ખેલૈયાઓ ત્યાં એકઠા થઇ ગયા હતા.
"રૂ. 5500 ચૂકવીને પણ યોગ્ય સુવિધા મળતી નથી''
ભીડ એટલી વધી ગઈ કે, જગ્યાની અછતથી ધક્કામુક્કી શરૂ થઇ ગઈ. અફરાતફરીમાં કાચ તૂટતાં 3થી 4 લોકોને ઇજા પણ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખેલૈયાઓએ ફરિયાદ કરતાં કહ્યું કે, "રૂ. 5500 ચૂકવીને પણ યોગ્ય સુવિધા મળતી નથી, અને હવે પાસ લેવા માટે અમે ભીડમાં ધક્કા ખાઈ રહ્યા છીએ."
''ગરબા ગ્રાઉન્ડ પર જ QR કોડથી એન્ટ્રી અપાશે''
યુનાઈટેડ વેના તરફથી માહિતી આપવામાં આવી કે, ''તમામ ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડ પર જ QR કોડ અને શોર્ટ કોડના આધારે પ્રવેશ અપાશે, જેમ મોબાઈલ નંબરથી એન્ટ્રી કરવામાં આવી હોય, તે મોબાઈલ સાથે લાવવો પડશે, જેથી એન્ટ્રી પ્રક્રિયા સરળ બને."
ખેલૈયાઓમાં રોષ
યુનાઈટેડ વે જે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં શ્રેષ્ઠ અને અત્યંત લોકપ્રિય ગરબાનું આયોજન કરે છે, હવે આવી અફરા તફરીના બનાવના મામલે માહોલ ગરમાયો હતો. હાલ તો ખેલૈયાઓમાં ભારે અસંતોષ છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં એવી કોઈ પણ વ્યવસ્થા ન થાય જે ભીડ, ધક્કામુક્કી અને ઇજાઓનું કારણ બને.