ખેરાલુ તાલુકાના ચાચરિયા ગામમાં મનરેગા અંતર્ગત મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડમાં આશરે 15 લાખ રૂપિયાનું ભ્રષ્ટાચાર થયું હોવાનું સામે આવ્યું છે. સરકારી દસ્તાવેજોમાં ગામમાં વિવિધ માટીકામ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ લોકપાલ દ્વારા થયેલી તપાસમાં ખુલાસો થયો કે આ કામો માત્ર કાગળ પર જ થયા છે, વાસ્તવમાં જમીન પર કોઈ કામ જ થયું નથી.
બોગસ જોબ કાર્ડ તૈયાર કરી...
આ કૌભાંડને અમલમાં મૂકવા માટે બોગસ જોબ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. નકલી શ્રમિકોના નામે બેંક ખાતાઓ ખોલાવવામાં આવ્યા અને તેમનાં એટીએમ કાર્ડ તથા પિન નંબર કોન્ટ્રાક્ટરે મેળવી લીધા. ત્યારબાદ આ ખોટા ખાતાઓમાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાયા. આ રીતે સરકાર દ્વારા ગરીબ શ્રમિકોની રોજગારી માટે મુકવામાં આવેલી રકમમાં ગેરવ્યહેવાર કરવામાં આવ્યો.
50માંથી 6 શ્રમિકો જ હાજર રહ્યા કૌભાંડ ઉજાગર થયું
તપાસ દરમિયાન ખુલ્યું કે, સરકારી રેકોર્ડમાં 50 શ્રમિકોના નામ નોંધાયેલા હતા, પરંતુ જ્યારે લોકપાલ ગિરીશ શર્માએ સ્થળ પર જઈને રૂબરૂ તપાસ કરી ત્યારે માત્ર 6 શ્રમિકો જ હાજર રહ્યા અને જવાબ આપી શક્યા. જેથી સ્પષ્ટ થાય છે કે મોટું નકલીજાળ તૈયાર કરીને ગેરરીતે નાણાંની ઉઘરાણી કરવામાં આવી.
મોટાપાયે કૌભાંડ થયાની આશંકા
આ મામલાને ધ્યાનમાં લઈ રાજ્ય કક્ષાની વિશેષ તપાસ સમિતિ બનાવવાની અને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જો સમગ્ર ખેરાલુ તાલુકામાં મનરેગા હેઠળ થયેલા તમામ કામોની ચોકસાઈથી તપાસ કરવામાં આવે, તો પાંચથી સાત કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના ગ્રામિણ વિસ્તારની વિકાસ યોજના સાથે થઈ રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. યોગ્ય તપાસ અને જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી એ હવે સમયની મહત્વપૂર્ણ માંગ છે, જેથી મનરેગા જેવી જનહિતની યોજનાઓ સાચા અર્થમાં જરૂરતમંદ લોકોને લાભ આપી શકે.