છોટાઉદેપુર જિલ્લાના એસ.એફ. હાઇસ્કૂલમાં વિવાદમાં ઘેરાઈ છે. નવા નિમાયેલાં શિક્ષકઓએ ગંભીર પાલિકાના પદાધિકારીઓ તેમજ આચાર્ય પર ગંભીર આક્ષેપ કર્યો છે. શાળાના આચાર્ય હિતેશ ચૌહાણ તથા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો દ્વારા અંગ્રેજી શાળા શરૂ કરવાની હોઈ જેના ડોનેશન માટે રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખે કલેક્ટરને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે, ''શિસ્ત વિરૂદ્ધ અને બદનક્ષી ભર્યું ગુનાહીત માનસિકતા વાળું વર્તન કરવા બદલ એસ એફ હાઈસ્કૂલના શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવી''
ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે બદનક્ષી ભર્યા આરોપ કર્યા
ભાજપ પ્રમુખે પત્રમાં લખ્યું છે કે, ''છોટાઉદેપુર શહેર ભારતીય જનતા પાર્ટી વતી આપ આવેદન સ્વરૂપે જણાવીએ છીએ કે, હાલમાં છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલના કેટલાક (1) પલ્કેશ એન. ચૌહાણ (2) સિયાડ ધર્મેશકુમાર કે. (3) માંડલા શેલેશભાઈ એચ. (4) પરીતા આર. સોલંકી (5) ગાયત્રી એમ. ઉપાધ્યાય (6) ચૌધરી ભવિકાકુમારી આર. (7) મિશ્રા પ્રભાકર એસ. (8) પરમાર પૃથ્વીરાજસિંહ (9) ડૉ. હાર્દિકકુમાર જયેન્દ્રભાઈ ધામેલીયા શિક્ષકોએ ગાંધીનગર જઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના નગરપાલિકાના બોર્ડને બદનામ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે બદનક્ષી ભર્યા પાયા વગરના આરોપો કર્યા છે''.
''રજાના રિપોર્ટ પણ ખોટા મૂક્યા છે''
તેમણે વધુમાં લખ્યું છે કે, ''આ તમામ શિક્ષકો એસએફ હાઇસ્કુલમાંથી એક સાથે જુદા જુદા કારણોસર જેવા કે માદગી, સામાજિક કારણ, અંગત કારણ જેવા કારણો આપીને રજા લઈને એક સાથે ગાંધીનગર ગયા છે એવું અમારા ધ્યાન પર આવ્યું છે. એનો સીધો મતલબ કે રજાના રિપોર્ટ પણ ખોટા મૂક્યા છે. જેની પણ ગંભીર તપાસ થવી જોઈએ. અમારી જાણ મુજબ હાઈસ્કૂલના શિક્ષકોને નગરપાલિકાના સભ્યોએ પોતાના સંતાનો જેવું વર્તન કરીને કોઈને પણ અમારા નામે પૈસા આપવા નહીં એવું જણાવેલું અને જો કોઈ સંસ્થા વતી કે અન્ય રીતે પૈસા માગે તો પાવતી સિવાય પૈસા આપવા નહીં એવી સલાહ આપેલી, પરંતુ એસ એક હાઈસ્કૂલના શિક્ષક ધામેલીયા કે જેમની તમામ સોશિયલ મીડિયા ની પોસ્ટો ભારતીય જનતા પાર્ટી અને પ્રશાસન વિરુદ્ધની હોય છે અને પ્રશાસન વિરુદ્ધની હોય છે એટલે આવી માનસિકતા ધરાવતા શિક્ષકે આ શિક્ષકોને ઉશ્કેરીને આમ આદમી પાર્ટીના નેતા પાસે લઈ જઈને પ્રેસ કોન્ફરન્સ કરાવી છે એ પણ શિસ્ત વિરુદ્ધનું છે. ખોટા રજા રિપોર્ટ મૂકીને એક જગ્યાએ ભેગા થઈને જે કૃત્ય કર્યું છે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ શિક્ષકોના મોબાઈલના રેકોર્ડ ચેક કરીને કોની કોની સાથે સંપર્કમાં છે એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે''.
શિક્ષકોએ શું આક્ષેપ કર્યો હતો?
આ શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો કે, ''જુલાઈ 2025થી કાર્યરત નવ શિક્ષકો પાસેથી શરૂઆતમાં જ આચાર્ય દ્વારા "ફૂલ નહીં તો ફૂલની પાંખડી"ના નામે નાણાંની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ 15 સપ્ટેમ્બર 2025ના રોજ શિક્ષકોને નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં બોલાવી મોબાઇલ કબજે કરીને મિટિંગ યોજી હતી અને કહેવામાં આવ્યું કે, તમારે પૈસા તો આપવા જ પડશે''
''શિક્ષકોને ચીમકી અપાઈ કે...''
શિક્ષકોનો આક્ષેપ મુજબ, મિટિંગ દરમિયાન હાજર રહેલા ઝાકીર આંધી, કિશન કોળી, ઉપપ્રમુખ પ્રવેશ મકરાણી, કોર્પોરેટર કિરમાણી, સૌરભ શાહ સહિતના સભ્યો દ્વારા શિક્ષકોને ચીમકી અપાઈ કે, "તમારી નિમણૂક અમાન્ય છે, પગાર પાછો લઈશું, લાંય આપશો તો રજાઓ-સુવિધા બધું મળશે, નહી આપશો તો ખોટા ગુનામાં ફસાવી સસ્પેન્ડ કરીશું'' વધુમાં કહ્યું કે, ''ડૉ. હાર્દિક ધામેલીયાને તો ખુલ્લેઆમ ધમકાવાયું કે છોકરીઓ દ્વારા એફિડેવિટ કરાવી જેલમાં નાખી દઈશું''
''વાસ્તવિક જીવનને જોખમ છે..''
શિક્ષકોએ કહ્યું કે, ''અમે બધા TAT-1, TAT-2 પાસ કરીને સરકારની ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા છીએ-અમારી નિમણૂક કાયદેસર છે. લાખો રૂપિયાની માંગણી ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો છે. અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે, છતાં અમારાથી દાન માગવું લૂંટ અને બ્લેકમેલ છે. ભૂતકાળમાં પ્રિન્સિપાલ તથા શિક્ષકો પર હુમલાના બનાવો થયા છે, એટલે આજે પણ અમને વાસ્તવિક જીવનને જોખમ છે''.