Banas Dairy Election : એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીને લઈ જિલ્લામાં દૂધિયા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દૂધધરા બાદ બનાસ ડેરી પણ ભાજપના મેડેન્ટને લઈ ચર્ચામાં રહે તો નવાઈની વાત નહીં. કારણ કે, જે રીતે બનાસના દૂધિયા રાજકરણની ચર્ચા ચાલી રહી છે, તે મુજબ આ વખતે બનાસ ડેરીમાં ચર્ચામાં રહેશે. કારણ કે, બનાસકાંઠામાં ભાજપના જ કેટલાક નેતાઓ અંદર ખાને શંકર ચૌધરીથી નારાજ હોવાથી તેમની સામે બાયો ચડાવી શકે છે.
બનાસ ડેરીનું દૂધિયું રાજકારણ ગરમાયું?
ભાજપ સામે ભાજપનું જ જૂથ મેદાને આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પૂર્વ મંત્રી અને સાંસદ હરી ચૌધરી પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે, તો બીજી તરફ થરા માર્કેટયાર્ડ અને બનાસ બેન્કના પૂર્વ ચેરમેન અણદા પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. જો કે, આ બે ફોર્મ તો ભાજપમાંથી જ ભરાયા છે. જો કે, ભાજપે હજુ સુધી કોઈને મેડેન્ટ આપ્યું નથી છતા પણ બે ફોર્મ ભરાઈ જતા દૂધધારાવાળી થવાની ચર્ચા ચાલી રહી છે.
'ચૌધરી ભાઈઓ' વચ્ચે જામશે જંગ
બનાસકાંઠામાં ચર્ચા એવી છે કે, આ વખતે શંકર ચૌધરીએ પશુપાલકોને ભાવફેરની રકમમાં ગયા વર્ષ કરતા વધારે કંઈ ફાળવી નથી, જો કે, રકમનો આંકડો મોટો બતાવ્યો પરંતુ ટકાવારીની દ્રષ્ટીએ તે સમકક્ષ જેટલું જ કહેવાય છે. ત્યારે પશુપાલકોમાં પણ શંકર ચૌધરી પ્રત્યે ખારાશ તો વ્યાપી છે, જે સમીકરણોને પગલે હરીભાઈ મેદાને ઉતરે અને મંડળીના મત ખેંચે તો શંકરભાઈને સારી ટક્કર આપી શકે છે. જો કે, આ તમામ નેતાઓ વચ્ચે હજુ 'પતાવટ' અને 'સમજાવટ'નો પણ સમય છે.
શંકર ચૌધરી બનશે ફરીથી ચેરમેન?
રાજકીય ગલિયારીઓમાં એવી ચર્ચા છે કે, 'બનાસ ડેરીની ચૂંટણીમાં હરીભાઈ અને અણદાભાઈ ફોર્મ ભર્યું હોય, પરંતુ અંતે શંકરભાઈ ચૌધરીને દૂધિયા રાજકારણનું 'દૂધ' પીતા અને 'પાવતા' બંને સારી રીતે આવડે છે, એટલે અંતે ચેરમેન ફરી એકવાર તેઓ જ બનશે અને હરીભાઈ અને અણદાભાઈની નાની મોટી મનશાઓમાં મનાવી પણ લે'. રાજકીય નિષ્ણાંતોના મતે, 'શંકર ચૌધરી માટે બનાસ ડેરી સર્વોપરી છે, જેઓ અન્ય તમામ હોદ્દાઓ છોડી શકે પણ બનાસ ડેરીની કમાન કોઈ પણ હિસાબે ન છોડે'