રાજ્યમાં અમદાવાદ બાદ હવે વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેઈલ મળતા તપાસ હાથ ધરવામાં આવી છે. ઈમેઈલમાં લખ્યું હતું કે એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યો છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.
બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી
ઘટનાની ગંભીરતાને જોતા એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું અને તમામ વિસ્તારોમાં તપાસ ચલાવવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિત તમામ સુરક્ષા દળોએ વિસ્તૃત તપાસ કરી રહી છે, જો કે તપાસ દરમિયાન કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આ ઘટનાના કારણે થોડા સમય માટે એરપોર્ટ પર દહેશતનો માહોલ સર્જાયો હતો. મહત્વનું છે કે એક તરફ શહેરમાં આઠમ અને આગામી નવરાત્રી પર્વની ઉજવણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે આવી ધમકી તંત્ર માટે મોટો ચિંતાનો વિષય બની હતી. તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ ન મળી આવતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો