logo-img
Gujarat Records 115 Percent Of Seasons Average Rainfall

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો : 206 જળાશયો થયા છલોછલ, હજુ આગાહી યથવાત

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો
Published by: Offbeat Team
| Last Updated: Sep 29, 2025, 07:01 AM IST

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદ 115.10 ટકા જેટલો નોંધાયો

આજે, તા. 29 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 6:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101.96 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.


206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા ભરાઈ ગયા

SEOCના અહેવાલ મુજબ સવારે 8:00 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ 97.32 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 146 ડેમ હાઇ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.


દરિયો ન ખેડવા ચેતવણી

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. 01 જૂન, 2025 થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 15,971 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 1,351 નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા.29 સપ્ટેમ્બરથી 02 ઓકટોબર, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now