આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિ દરમ્યાન ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી અંગે મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, તારીખ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વધુ જણાઈ રહી છે.
12 ઈંચ કે તેથી વધુ વરસાદ ખાબકશે!
મુંબઈના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કેટલીક જગ્યાએ 12 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં 6 થી 8 ઈંચ સુધી વરસાદ પડવાની આગાહી છે, જ્યારે કેટલાક ભાગોમાં 4 ઈંચથી વધુ વરસાદ પણ પડી શકે છે. પશ્ચિમ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘરાજાની અસર જોવા મળી શકે છે.
આ વિસ્તારોમાં વરસાદની આગાહી
જુનાગઢ, અમરેલી, મહુવા, ભાવનગર અને ગીર સોમનાથના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. એટલું જ નહીં, કચ્છ અને ઉત્તર ગુજરાત ખાસ કરીને જામનગર અને ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ દરમિયાન ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે અને પવનની ગતિ પણ વધીને લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે તંત્રને આગાહી આધારે સાવચેતી રાખવા સૂચના આપી છે. આગામી નવરાત્રિના દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા હોવાથી લોકોએ પોતાના પ્રવાસ અને કાર્યક્રમો અંગે યોગ્ય આયોજન કરવાની સલાહ આપી છે.