બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામના રહેવાસી હિંમત મનજી કોલાદરાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા હતા કે કેટલાક લોકોના ત્રાસ અને હેરાનગતિને કારણે હિંમતને મરવા માટે મજબૂર થવું પડ્યું.
પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો
મૃતકની પત્ની શીતલબેન કોલાદરાએ બરવાળા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં ડાયમંડ ઉદ્યોગપતિ હરેશભાઈ મોહનભાઈ સાકરીયા, બરવાળાના સરપંચ નથુભાઈ મોહનભાઈ ડાભી, તેમજ બાબુભાઈ ધરમશીભાઈ ડાબસરા, રમેશભાઈ કરશનભાઈ ડાબસરા અને રઘુભાઈ દોલુભાઈ મોરીનો સમાવેશ થાય છે.
માનસિક દબાણ ઊભું કર્યાનો આરોપ
શીતલબેનના આરોપ મુજબ પાંચેય વ્યક્તિઓ હિંમતને સતત ત્રાસ આપી રહ્યા હતા અને તેમની સામે માનસિક દબાણ ઊભું કર્યું હતું, જેના કારણે હિંમતભાઈએ પોતાનું જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું. હિંમતભાઈને ગંભીર સ્થિતિમાં ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી પરિવારજનો આરોપીઓ સામે કડક કાયદેસર પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી.
બરવાળા પોલીસે મોડી રાત્રે FIR દાખલ કરી
આ મામલે બરવાળા પોલીસે મોડી રાત્રે આપઘાત માટે મજબૂર કરવાના ગુનાહિત કલમ હેઠળ પાંચેય આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો. પોલીસ કાર્યવાહી બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમવિધિ માટે તૈયારી કરવામાં આવી હતી.