વડોદરાના ગરબામાં જાહેરમાં અશ્લીલતાની ઘટનાઓમાં દિન પ્રતિદિને વધારો થઈ રહ્યો છે. વધુ એક ખેલૈયા કપલનો અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ થયો છે. લક્ષ્મીવિલાસ પેલેસના ગરબાનો વીડિયો હોવાની પણ વિગતો સામે આવી છે. આ કિસિંગ વિવાદ વધુ વકરી રહ્યો છે, પહેલા 'યુનાઇટેડ વે' અને હવે લક્ષ્મીવિલાસ પેલેસનો વીડિયો સામે આવ્યો છે.
ગરબામાં યુવાનો ભાન ભૂલી રહ્યા છે?
ગરબામાં જાહેરમાં અશ્લીલ હરકતનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. લક્ષ્મીવિલાસ પેલેસના ગરબામાં એક યુવતી અને યુવકનો અશ્લીલ હરકત કરી રહ્યાં છે, તો બીજી તરફ મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ ખેલૈયાઓની અશ્લીલ હરકતનો વીડિયો સામે આવ્યો છે. માતાજીની આરાધનામાં યુવાનો ભાન ભૂલી રહ્યા છે. લોકોની લાગણી દુભાય તેવી હરકતો પણ યુવાનો કરી રહ્યા છે
લોકોમાં ભારે રોષ
કેટલાક ખેલૈયાઓ જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવીને, જે સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. જો કે, વાઇરલ થતાં વિવાદ વધુ વકર્યો છે. માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રિના માહોલમાં કપલની શરમજનક હરકતથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
યુનાઇટેડ વેમાં કપલનો વિવાદાસ્પદ કાંડ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ યુનાઇટેડ વેના ગરબામાં એક NRI ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ સામે આવ્યો હતો. જે વીડિયો વાયરલ થયો હતો. જેમાં અશ્લીલ હરકત જોઈ શકાય છે. માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રિમાં કપલની શરમજનક હરકતથી માતાજીના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. માઈ ભક્તો કહ્યું હતું કે આ લોકોએ અમારી ધાર્મિક લાગણી દુભાવી છે અને ગુજરાતની અસ્મિતા પર લાંછન લગાવ્યું છે'.