અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસે ફરી એક મોટી સફળતા મેળવી છે. શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસના પહેલા માળે આવેલા ઇમ્પ્લેટ સેકશનમાં તપાસ દરમિયાન ચોકલેટ અને બિસ્કિટના પાર્સલોની આડમાં છ પાર્સલમાંથી હાઇબ્રીડ (હાઇડ્રોફોનિક) ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો હતો. કુલ 525 ગ્રામ વજનનો આ જથ્થો રૂ. 52,58,000 ની કિંમતનો હોવાનું બહાર આવ્યું છે.આ કાર્યવાહી પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) તથા નાયબ પોલીસ કમિશનર (એસ.ઓ.જી.)ના સૂચનાથી હાથ ધરાઈ હતી. મદદનીશ પોલીસ કમિશનર (એસ.ઓ.જી.)ના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી. ઉનડકટ તથા પી.વી. દેસાઇના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી.
પોલીસે લંડનથી આવેલા આ ગેરકાયદેસર પાર્સલોમાંથી નશીલો પદાર્થ કબ્જે કરી અજાણ્યા ઇસમો વિરુદ્ધ અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુ.નં. 11191011250310/2025 હેઠળ NDPS Actની કલમ 8(C), 20(B)(2)(A), 23(B) અને 29 મુજબ ગુનો દાખલ કર્યો છે. આગળની કાર્યવાહી માટે કેસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. દેસાઇને સોંપવામાં આવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કામગીરીને કારણે કરોડોની કિંમતનો ગાંજાનો જથ્થો શહેરના બજારમાં પ્રવેશતા પહેલા જ ઝડપી લેવાયો છે.