વિરમગામમાં રહેતા હિતેશસિંહ પરમારે સરખેજ પોલીસ સ્ટેશનમાં પ્રથમ ભરવાડ, સુરજ ભરવાડ, ધીરેન ભરવાડ, અજય, મેહુલ સહિત 20થી વધુ (તમામ રહે, હેબતપુર, અમદાવાદ) વિરૂદ્ધ હત્યાની કોશિષ, તોડફોડ કરવાની ફરિયાદ કરી. હિતેશસિંહ તેમજ તેના ફોઈનો દિકરો કુલદીપ સહિતના ભાગીદારો ભેગા મળીને બોપલ વકીલ સાહેબ બ્રીજની બાજુમાં આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં રાસ-રાત્રી ગરબાનું આયોજન કર્યુ હતું.
હિતેશ સિંહ નવરાત્રીના નવ દિવસ ગરબાનું આયોજન કર્યુ છે, જેમાં ગાયક કલાકાર તરીકે ગોપાલ ભરવાડ આવ્યો હતો. હિતેશસિંહ તેના પરિવારને લઈને બસેરા પાર્ટી પ્લોટમાં હાજર હતો ત્યારે મોડીરાતે 11 વાગ્યાની આસપાસ મામલો બીચક્યો હતો. રાત્રે હિતેશસિંહ પોતાના ઘરે જતો હતો ત્યારે કેટલાક યુવકો પાર્ટીપ્લોટની દીવાલ કુદીને ગરબામાં આવી ઘૂસી રહ્યા હતા. હિતેશસિંહે તરત જ સિક્યોરીટી ગાર્ડને જાણ કરી હતી. સિક્યોરીટી ગાર્ડે હિતેશસિંહને કહ્યું હતું કે, અમે તમામ યુવકોને રોકી રહ્યા છીએ પરંતુ કોઈ અમારૂ માનતું નથી. હિતેશસિંહ પાર્ટી પ્લોટના દિવાલ પાસે પહોચી ગયો હતો અને યુવકે અંદર આવતા રોક્યા હતા. હિતેશસિંહ તરત જ મેઈન ગેટ પર પહોચી ગયો હતો, જ્યા હેબતપુર ખાતે રહેતા પ્રથમ ભરવાડ, સુરજ ભરવાડ, ધીરેન ભરવાડ, અજય ભરવાડ, મેહુલ ભરવાડ તેમજ અન્ય લોકો કાઉન્ટર ઉપર હાજર સ્ટાફ તથા બાઉન્સરો સાથે માથાકુટ કરી રહ્યા હતા. તમામ લોકો ટીકીટ વગર અંદર જવા માટે બબાલ કરતા હતા જેથી હિતેશસિંહે તમામને જઈને સમજાવ્યા હતાં. હિતેશસિંહ તમામ સાથે શાંતીથી વાત કરતો હતો ત્યારે ટોળુ ઉશ્કેરાઈ ગયું હતું.
હિતેશસિંહ સહિતના લોકોને ગાળો બોલવા લાગ્યા હતાં. ટોળુ એકાએક ગરબાના ગ્રાઉન્ડમાં પહોચી ગયું હતું અને માહોલ તંગ કરી દીધો હતો. ટોળાએ ગરબાનો પોગ્રામ બંધ કરાવી દીધો હતો અને પાર્ટી પ્લોટમાં ડેકોરેશનમાં લગાવેલા વાસના દંડા તોડીને હુમલો કરવા લાગ્યા હતાં. ગરબા રમતા ખેલૈયાઓ સાથે પણ ઝપાઝપી કરી હતી, જેના કારણે ખેલૈયા પણ ગભરાઈ ગયા હતાં.ગરબાનું આયોજન ખરાબ થાય નહી તે માટે હિતેશસિંહ ટોળા પાસે ગયો હતો અને શાંતીથી વાત કરવાનું કહ્યુ હતું. આ દરમિયાનમાં પ્રથમ ભરવાડ એકદમ ગિન્નાયો હતો અને લોખંડની પાઈપ હિતેશસિંહના માથામાં મારી દીધી હતી. હિતેશસિંહના માથામાં લોહી નીકળતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારે કુલદીપસિંહ, કિશન સહિતના ભાગીદારો દોડી આવ્યા હતાં. ટોળાએ કુલદીપસિંહ, કીશન સહિતના લોકો પર પાઈપ વડે હુમલો કરવા લાગ્યા હતાં. હિતેશસિંહને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હુમલાની આ ઘટનાથી ખેલૈયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ટોળાએ અન્ય આયોજકો પર હુમલો કરતાં તેમને પણ ઈજા થઈ હતી. ઘટનાની જાણ સરખેજ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને હિતેશસિંહની ફરિયાદના આધારે ગુનો નોંધાવ્યો હતો.