વડોદરાના વર્લ્ડ ફેમસ 'યુનાઇટેડ વે' ગરબામાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ પ્રકાશમાં આવ્યો છે. કપલે અશ્લીલ રીલ બનાવી હતી, જેમાં જાહેરમાં ચુંબન કરી રહ્યા હતા. આ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ શરૂ થયો છે. નવરત્રિના માહોલમાં માતાજીની ભક્તિના પવિત્ર તહેવારમાં કપલની શરમજનક હરકતથી ખેલૈયાઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે. આ ઘટના બાદ સનાતન સંત સમિતિએ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
પ્રથમ દિવસે ખેલૈયાઓનો અસંતોષ
પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ હાય હાય ના નારા લગાવ્યા અને અસંતોષ જાહેર કર્યો હતો. મંચ પર આવેલા અતુલ દાદાની વાત સાંભળવાની પણ ખેલૈયાઓએ ના પાડી અને તેમને અવગણ્યા. વિરોધ અને ઉગ્ર રોષને ધ્યાનમાં લઈ યૂનાઇટેડ વેના સંચાલકોએ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. સંચાલકોએ કહ્યું કે, પ્રથમ દિવસેની સમસ્યાઓને કારણે એક દિવસનું રિફંડ આપવામાં આવશે.
મહેરબાની કરીને તમે તમારું વર્તન સારું રાખોઃ તારક પટેલ
યુનાઇટેડ વે ઓફ બરોડાના પ્રમુખ તારક પટેલે જણાવ્યું હતું કે ગરબા એ પવિત્ર જગ્યા છે. હું ગરબે રમવા આવતા દરેક લોકોને કહું છું કે એની શિષ્ઠતા જાળવો. ધ્યાન રાખો કે, તમારા વર્તનને કારણે કોઈને ખરાબ ન લાગે. તમે ગમે ત્યાં ગરબે રમવા જાઓ, પરંતુ તમે એ યાદ રાખો કે તમે ક્યાં જાઓ છો. હું એક કપલને પણ કહેવા માગું છું કે મહેરબાની કરીને તમે તમારું વર્તન સારું રાખો, નહીંતર અમારા ગરબામાં આવતા નહીં.
આજુબાજુના લોકો જોયા કરે એ દુઃખની વાત છેઃ સંત સમિતિ
સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે આ મામલે જણાવ્યું હતું કે યુનાઇટેડ વે ગરબામાં થયેલી હરકત ખરેખર ખૂબ જ દુઃખદ છે. અગાઉ પણ ઇ-સિગારેટ પીતી છોકરીની બબાલ થઈ હતી. આજે આવી જ પરંપરાઓ ચાલે છે. ખરેખર સિક્યોરિટી અને સંચાલકો શું કરે છે એ મોટો પ્રશ્ન છે. આ મામલે ધ્યાન આપવું જોઈએ. ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુના લોકો જોયા કરે એ દુઃખની વાત છે. સંસ્કૃતિ સાચવવી પડશે તો બધાય જાગવું પડશે.